સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: રિસોર્ટમાં ધડાકો
સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષ 2026ના સ્વાગતનો ઉત્સાહ તે સમયે માતમમાં ફેરવાઈ ગયો જ્યારે એક જાણીતા સ્કી રિસોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે, જ્યારે અનેક પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ દૂર્ઘટનામાં 40 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
- ક્રાન્સ મોન્ટાના રિસોર્ટની રેસ્ટોરન્ટમાં થયો વિસ્ફોટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભયાનક ધડાકો સ્વિટ્ઝરલેન્ડના સ્કી રિસોર્ટ માટે વિશ્વભરમાં જાણીતા શહેર ક્રાન્સ મોન્ટાનામાં થયો હતો. નવા વર્ષના જશ માટે રિસોર્ટની એક રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તે દરમિયાન અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે રેસ્ટોરન્ટનો ઘણો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પ્રાથમિક જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એરલિફ્ટ કરીને અને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે કટોકટી જાહેર કરી દીધી છે અને ઈમરજન્સી સેવાઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા પ્રયત્ન કરી રહી છે.
વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્વિસ પોલીસ આ ઘટનાની બે પાસાઓ પર તપાસ કરી રહી છે કે, શું આ કોઈ ગેસ લીકેજ કે ટેકનિકલ ખામીને કારણે થયેલો અકસ્માત છે? તેમજ શું આ કોઈ સુનિયોજિત આતંકી હુમલો છે? સુરક્ષાના કારણોસર પોલીસે સમગ્ર રિસોર્ટ અને તેની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. ફોરેન્સિક ટીમો પુરાવા એકત્ર કરી રહી છે. નવા વર્ષની રજાઓ હોવાથી અહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ હાજર હોવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ અંબાલા કેન્ટ રેલવે સ્ટેશનને બોમ્બની ધમકી મળી, પોલીસ દોડતી થઈ


