
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં રોડ ખૂબજ બિસ્માર હાલતમાં બની ગયા હતા. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધશોએ દિવાળી પહેલા જ તમામ તૂટેલા રોડ-રસ્તાઓ મરામત કરવાનું આયોજન કર્યું હતું. હવે દિવાળી પર્વને બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે જે રોડ મરામતના કામો અધૂરા છે, તેને રાત-દિવસ કામ કરીને બે દિવસમાં જ કામ પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં તૂટેલા રોડને રીપેરીંગ કરવાની અને પેચ વર્કની કામગીરી છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી છે. દિવાળી સુધીમાં શહેરમાં તમામ જગ્યાએ રોડ રીસર્ફેસ અને પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શુક્રવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં શહેરમાં જ્યાં પણ રોડ રસ્તાના રીસરફેસ અને પેચવર્કની કામગીરી બાકી હોય ત્યાં ઝડપથી પૂર્ણ કરી દેવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી.
મ્યુનિના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ રીસરફેસ અને નવા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં 19 જેટલા પેવર મશીન કામગીરી કરી રહ્યા છે અને રોજના 6,000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે. રોડની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી છે કેટલાક જગ્યાએ હજી કામ બાકી છે, તે દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જશે. શહેરમાં ક્યાંય પણ ખાડા કે રોડ ખરાબ હોય તેવી રજૂઆતો કમિટીને મળી નથી. રોડની કામગીરી રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે અને જ્યાં ઓછો ટ્રાફિક અને અડચણરૂપ ન બને ત્યાં અમે દિવસે પણ કામ કરીએ છીએ.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની શુક્રવારે મળેલી રોડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં શહેરના પૂર્વ વિસ્તાર વિસ્તારમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં રોડ બનાવવાથી લઈ અને પેવર બ્લોકના તેમજ રીપેરીંગના કરોડો રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનના લાંભા, વટવા, ઇસનપુર, મણીનગર અને બહેરામપુરા સહિતના તમામ વોર્ડમાં કોલ્ડ મિક્સ ઇન્જેક્શન પદ્ધતિથી ખાડાઓ રીપેરીંગ માટે રૂ. 3.50 કરોડના કામ માટે વાય ડી બિલ્ડર્સ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં નરોડા, વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં આરસીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોકના રૂ. બે કરોડથી વધુના કામ મંજૂર કરવામાં આવ્યા છે.