
ઓખાની બોટ મધદરિયે બંધ પડી, ત્યાં જ પાકિસ્તાન એજન્સીએ ધસી આવી 7 માછીમારોનું અપહરણ કર્યું
ઓખાઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કાંઠી વિસ્તારના શહેરોમાં અનેક માછીમારો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારો પોતાની બોટ લઈને મદ્ય દરિયે માછીમારી કરવા જતાં હોય છે. ત્યારે ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા નજીક પહોંચતા જ રાહ જોઈને બેઠેલી પાકિસ્તાનની એજન્સી માછીમારોનું અપહરણ કરી લેતા હોય છે. જોકે માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમા છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જો કે પાડોશી પાકિસ્તાન વારંવાર આ માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ પણ કરાતું હોય છે. આવો જ વધારે એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓખાની એક બોટ મદ્ય દરિયે બંધ પડી ગઈ હતી. ત્યારે જ પાકિસ્તાનની મરીન એજન્સી દ્વારા ઓખાની બોટ અને સાત માછીમારનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓખ બંદરની તુલસી મૈયા નામની IND GJ 11 MM 1591 નામની બોટ ઓખાથી માછીમારી કરવા માટે રવાના થઇ હતી. આ બોટમાં સાત ખલાસીઓ હતા. જો કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી. તેવામાં 28 તારીખે પાકિસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે બોટનું અપહરણ કરી લેવાયું હતું. મધદરિયે ફસાયેલી બોટની મદદ કરવાનાં બદલે પાકિસ્તાને પોતાની અવળચંડાઇ કરી હતી. બોટનું અપહરણ કરી લીધું હતું. આ બોટ માંગરોળનાં વત્સલ પ્રેમજીભાઇ થાપણીયાની છે. જે ઓખા ખાતે માછીમારી કરવા માટે ગઇ હતી. બપોર સુધી બોટ માલિક સાથે સંપર્કમાં હતી. જો કે અચાનક તે સંપર્કવિહોણી થઇ હતી. તે અગાઉ પાકિસ્તાની એજન્સીઓની બોટ આવી રહી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું. ત્યાર બાદ સંપર્ક કપાઇ ગયા હતા. (file photo)