અમદાવાદઃ વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી. શહેરની બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત તેર દિવસ સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ દ્વારા કોઈપણ માગ પૂર્ણ થયા વિના જ ઇન્ટર્ન ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા. આખરે આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ દ્વારા માગણીઓ મામલે આપવામાં આવેલા આશ્વાસનથી સંતોષ માનીને ઇન્ટર્ન ડોક્ટરો કામે લાગી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ NMC ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. 13 દિવસથી ચાલી રહેલી હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી. પોલીસી મેટર હોવાથી માંગણીઓ પૂર્ણ કરવામાં સમય લાગશે, તેવું કહીને હડતાળ પૂર્ણ કરાવી લેવામાં આરોગ્ય વિભાગને સફળતા મળી હતી. જો કે એસીએસ દ્વારા શક્ય તેટલું સકારાત્મક કરાવવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી. બી.જે. મેડિકલ કોલેજના ડીન તરફથી હડતાળ સમેટી કામે જોડાઈ જવાની ચીમકી પણ ઇન્ટર્ન ડોક્ટરોને અપાઈ હતી. હડતાળ સમેટાશે નહીં તો ઇન્ટરનશિપમાં સમસ્યા થશે એવો ડર બતાવી ઇન્ટર્ન ડોક્ટરોને ડરાવવાનો પણ સતત પ્રયાસ થઇ રહ્યો હતો. જો ઇન્ટર્ન ડોકટરો ધરણાં પણ કરે તો તેમને ડ્યુટી પર આવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, NMC મુજબ વિદેશથી MBBS કરીને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા તમામ પાસેથી ફી પેટે 1 લાખ રૂપિયા નાં લેવામાં આવે અને સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે તેવી ગાઈડલાઈન જાહેર કરાઈ હતી. NMC ની ગાઇડલાઈન સ્પષ્ટ હોવા છતાં 1 લાખ રૂપિયા ફી અને કોઈ પ્રકારનું સ્ટાઇપેન્ડ ચૂકવવા અંગે નિર્ણય નાં લેવાતા વિદ્યાર્થીઓ હડતાળ કરી રહ્યા હતા.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

