
ચોટિલાઃ શરદ પુનમની અજવાળી રાતનો નજારો કંઈક અનોખો જોવા મળતો હોય છે. ચંદ્રમાના પ્રકાશથી વાતાવરણમાં તેજોમય વાતાવરણની અનુભૂતિ થતી હોય છે., શરદપૂર્ણિમા રાત્રે ચોટીલા ડુંગર પર ચંદ્રની અદભુત રોશનીનો અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ચાંમુડાં માતાજીના મંદિર પ્રશાસન દ્વારા પણ સુંદર ડિજિટલ લાઈટ દ્વારા ડુંગરને શણગારવામાં આવ્યો હતો. બીજીબાજુ રાત્રિના સમયે શરદપૂર્ણિમાના ચંદ્રના અલૌકિક નજારાને પણ લોકોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.
ચાંમુડા માતાજી ડુંગર પરના મંદિરમાં બિરાજમાન છે. અને ડુંગર પાસેથી રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પસાર થાય છે. ત્યારે શરદ પૂનમની રાતે ચંદ્રમાના પ્રકાશથી દૂરથી પણ ડુંગરનો નજારો અનોખો જોવા મળતો હતો. હાઈવે પરથી ઘણાબધા વાહનચાલકો શરદ પૂર્ણિમાના રાતના ડુંગરના નજારાને નિહાળવા પોતાના વાહનો ઊભા રાખીને પોતાના મોબાઈલફોનમાં ફોટા પાડી રહેલા જોવા મળ્યા હતા.
ચોટિલામાં આવેલું સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર અતિ પ્રાચીન છે. અને ડુંગર પર આવેલું છે. ચામુંડા માતાજી ગોહિલ વાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડીયા અને પરમાર વગેરે કુળના રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. રોજબરોજ મોટી સંખ્યમાં દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 635 પગથિયાં છે. જેમાં ચડવા-ઉતરવા માટેની અલગ-અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાં ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે. વધુમાં પગથિયાં ઉપર છેક સુધી શેડ (છાંયડો) હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી. કારતક માસમાં નવા વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ દર માસની પૂનમે તેમજ શ્રાવણ માસમાં સાતમ-આઠમ તથા દર રવિવારે અને નવલી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટે છે.