
અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે આપેલા એલાનથી રાજકોટ સ્વયંભૂ બંધ રહ્યું
રાજકોટઃ શહેરમાં સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે 27નો ભોગ લીધો હતો, આ દુઃખદ ઘટનાને એક મહિનો પૂર્ણ થતાં પ્રથમ માસિક પૂર્ણતિથિએ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, આજે રાજકોટમાં વેપાર-ધંધા, શાળાઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. રાજકોટની મુખ્ય બજારમાની એક એવી પરા બજાર સ્વયંભૂ બંધમાં જોડાઈ હતી. TRP ગેમ ઝોન નજીક આવેલી દુકાનોને બંધ પાળવા વેપારીઓને કોંગ્રેસ ધારાસભ્ય સહિતના આગેવાનોએ બે હાથ જોડીને વિનંતી કરી હતી. સોની બજારના વેપારીઓ પણ બંધના સમર્થનમાં જોડાયા હતા. ઘણી શાળાઓએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા એનએસયુઆઈના કાર્યકરોએ શાળાઓ બંધ કરાવી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં આજથી બરાબર એક મહિના પહેલા તા. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 લોકોના જીવતા સળગી જવાથી મૃત્યુ થયા હતા. આ બનાવની સીટ, ખાસ તપાસ સમિતિ સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે. ત્યારે આ બનાવની પ્રથમ માસિક પૂણતિથિએ ર7 પરિવારના દુ:ખમાં ભાગીદાર બનવા કોંગ્રેસે દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. આજે સવારથી ચા-પાનની દુકાનો, બજારો, શૈક્ષણિક સંસ્થાઓ બંધમાં જોડાયા હતા અને ન્યાય માંગતા પરિવારજનો સાથે પોતાની લાગણી હોવાની પ્રતિતિ કરાવી હતી.
શહેરના આજે સવારે અમુક વિસ્તારમાં ચા-પાન જેવી દુકાનો ખુલી હતી. બજારમાં પણ કેટલીક દુકાનો ખુલતા કોંગ્રેસના આગેવાનોએ વિનંતી કરીને દુકાનો બંધ કરાવી હતી તો મોટા ભાગની સ્કુલ બંધ હોવા છતાં સેલ્ફ ફાયનાન્સ એસો.એ સત્તાવાર રીતે ટેકો આપ્યો ન હોય, અમુક ખુલ્લી શાળા-કોલેજો એનએસયુઆઇએ શાંતિથી બંધ કરાવી હતી. યુવા કોંગ્રેસના આગેવાનો માઇક લઇને વિસ્તારોમાં ફર્યા હતા જયાં વહેલી સવારથી પોલીસનો સજજડ હથિયારધારી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી, ઋત્વિક મકવાણા, શૈલેષ પરમાર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ, શહેર પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ નેતાઓ મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સુરેશ બથવાર, રણજીત મુંધવા સહિતના આગેવાનો અને કાર્યકરોની ટીમ ફરી વળી હતી. બાર એસો. પણ કોર્ટ કાર્યવાહીથી દુર રહી છે. ચેમ્બર્સ ઓફ કોમર્સે બંધને ટેકો જાહેર કર્યો ન હોવા છતાં બજારો મોટા ભાગે શાંતિપૂર્ણ બંધ રહેતા આ માહોલ માત્ર રાજકીય નહીં પરંતુ રોષ અને દુ:ખ સાથેનો પણ દેખાયો હતો.