
હિંમતનગરઃ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઊજવાયું હતું. શામળાજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભગવાનના જન્મોત્સવ બાદ બીજા દિવસે ભગવાનના બાળ સ્વરૂપને સોના ચાંદીના પારણામાં જુલાવી ધામધૂમથી નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું.
યાત્રાધામ શામળાજીમાં આજે શનિવારે નંદ મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.. શુક્રવારે ભગવાન કાળિયા ઠાકરની ભારે હર્ષ અને ઉલ્લાસ પૂર્ણ જન્મોત્સવની ઊજવણી બાદ શનિવારે શામળાજી મંદિરમાં નંદ મહોત્સવ પણ ભાવપૂર્વક ઊજવાયો હતો. મંદિર ટ્રસ્ટ આયોજિત નંદ મહોત્સવમાં પૂજારી દ્વારા ચાંદીના પારણાને રંગ બેરંગી ફૂલો વડે શણગારવામાં આવ્યા હતા. અને ઠાકોરજીને એ પારણામાં બિરાજમાન કરવામાં આવ્યા છે. વ્હાલાની વધામણી બાદ ઠાકોરજીનું વૈદિક મંત્રોચ્ચાર સહિત પૂજન કરવામાં આવ્યું હતું અને ધુપ દીપ સૌભાગ્ય દ્રવ્યથી શુશોભિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રભુના બાળ સ્વરૂપને પારણે હરખથી ઝુલાવવામાં આવ્યા હતા. ઠાકોરજીને નૈવેદ્યમાં માખણ મિસ્ત્રી ફળફળાદી સૂકો મેવો વગેરે ધરાવવામાં આવ્યા હતા. નંદ મહોત્સવ દરમિયાન અબીલ ગુલાલની છોળો ઉડી હતી. અને ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ ના નારા લગાવી પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. આમ અનોખા પ્રાદુર્ભાવ સાથે યાત્રાધામ શામળાજીમાં નંદ મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.
અરવલ્લીની ગિરીકંદરા વચ્ચે આવેલું શામળાજીનું મંદિર વર્ષો પુરાણું છે. રાષ્ટ્રીયધોરી માર્ગ નજીક આવેલા શામળાજીના મંદિરમાં રોજબરોજ અનેક યાત્રાળુંઓ દર્શન કરવામાં આટે આવતા હોય છે. મંદિરમાં દર વખતની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીનું પર્વ ભારે ધામધૂમથી ઊજવવામાં આવ્યું હતું. અને કાળીયા ઠાકરના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.