
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામા માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. લખતરના કારેલા અને લીલાપુર વચ્ચે રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પરના ખાડાંમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ચંદુભાઈ ચેહરભાઈ પરમારને અતિ ગંભીર ઇજા હોવાથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, રાત્રિના સમયે લખતરના કારેલા ગામે માતાજીના માંડવામાં આવેલા ત્રણ લોકો માતાજીના માંડવાનું કામ પતાવી લખતર તરફ પાછા આવી રહ્યા હતા. ત્યારે કારેલાને લીલાપુર વચ્ચે પહોચતા કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ખાડાંમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોચતા 108ને જાણ કરવામાં આવી હતી. ત્રણેય ઇજાગ્રસ્તો ભરતભાઈ માવજીભાઈ પારગી (ઉંમર વર્ષ 40,) પરમાર હરેશભાઈ ચતુરભાઈ (ઉંમર 42 વર્ષ) અને પરમાર ચંદુભાઈ ચેહરભાઈ (ઉંમર વર્ષ 35)ને લખતર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય પ્રવાસીઓને અતિ ગંભીર ઈજા પહોંચી હોવાના કારણે ગાંધી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં ચંદુભાઈ ચેહરભાઈ પરમારને અતિ ગંભીર ઇજા હોવાથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. કારમાં ત્રણેય પ્રવાસીઓ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે.