
રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ઉમવાળા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ગોંડલ ઉમવાળા રોડ પર ગત મોડી રાત્રે ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા કારમાં ત્રણ યુવકો સવાર હતા. કારમાં સવાર ગુંદાળા રોડ પર રહેતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. કારચાલકને ગંભીર ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને લઈને શહેર પોલીસ B ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ ઉમવાળા રોડ પર ગત રાત્રે બ્રેઝા કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા કારમાં 4 મિત્રો હાઇવે પરની હોટલમાં નાસ્તો કરી એક મિત્રને ઉમવાળા ગામ મૂકીને પરત ફરતા હતા. ત્યારે ઉમવાળા રોડ પર રમાનાથ રેસિડેન્સી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આશરે 200 ફૂટ સુધી કાર ફંગોળાઈ હતી અને ફોલ્ડિંગ દીવાલ નજીક પરકાઈ હતી. કારના પાછળના દરવાજામાંથી ત્રણ યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર ત્રણ મિત્રોમાંથી ગુંદાળા રોડ લક્ષ્મણ નગરમાં રહેતા કેવલ સુરેશભાઈ સોજીત્રા (ઉં.વ. 24)નું મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક વાસવભાઈ સંજયભાઈ પીપળીયા (ઉં.વ. 22)ને ગંભીર ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે.