બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદે BSF–બાંગ્લાદેશી તસ્કરો વચ્ચે અથડામણમાં એક ઠાર મરાયો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત–બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રે બાંગ્લાદેશી તસ્કરો અને BSF જવાનોએ વચ્ચે અથડામણ થઈ હતી. તસ્કરો દ્વારા તસ્કરીનો પ્રયાસ કરીને BSF જવાનો પર જીવલેણ હુમલોકરવામાં આવ્યો, જેને જવાનોની સતર્કતા અને ઝડપી પગલાંથી નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
BSFની જવાબી કાર્યવાહી દરમિયાન એક બાંગ્લાદેશી તસ્કર સ્થળ પર જ ઠાર મરાયો હતો. અન્ય તસ્કરો અંધારાનો લાભ લઈને બાંગ્લાદેશ તરફ ફરાર થઈ ગયા હતા. દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર BSFના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘટના 32મી બટાલિયનની મતિયારી બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં બની હતી.
સુરક્ષાદળોને સ્થળ પરથી એક કટર, ચાર ધારદાર હથિયારો, 96 બોટલ પ્રતિબંધિત ફેન્સિડિલ કફ સિરપ તથા વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે બીએસએફ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


