
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા ઝોન અને જિલ્લા કક્ષાની વિવિધ 43 રમતોનું આયોજન
ગાંધીનગરઃ ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા 14,17 અને 19 વર્ષીય ખિલાડી ભાઈઓ-બહેનો માટે રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના સંભવિત કેલેન્ડરને ધ્યાને રાખી તાલુકા કક્ષા, ઝોન કક્ષા અને જિલ્લા કક્ષાની કુલ 43 વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ માટે ઈચ્છુક ખેલાડી ભાઈ-બહેનોએ તા.29-ઓગસ્ટ-2023 સુધીમાં જિલ્લા રમત પરીક્ષણ કેન્દ્ર, મહાત્મા ગાંધી વિદ્યામંદિર, સેક્ટર 21 ગાંધીનગર ખાતે તેમના પ્રવેશપત્ર મોકલી આપવાના રહેશે. પ્રવેશપત્ર મળ્યા બાદ સ્પર્ધાની તારીખ અને સ્થળ નક્કી કરી શાળા-સંસ્થાઓને જાણ કરવામાં આવશે તેમ, જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ દ્વારા યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં અંડર-19 સ્પર્ધાઓમાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડી ભાઈ-બહેનો તા.01-જાન્યુઆરી-2005 અને તેના પછી જન્મેલા હોવા જોઈએ. અંડર-17 જૂથ માટે તા.01-જાન્યુઆરી-2007 પછી જન્મેલા ભાઈ-બહેનો તેમજ અંડર-14 માટે તા.01-જાન્યુઆરી-2010 અને તેના પછી જન્મેલા ખેલાડી ભાઈઓ અને બહેનો સ્પર્ધામાં ભાગ લઇ શકશે. તાલુકા/ઝોન કક્ષાએ યોજાનાર આ રમતોમાં એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો અને વોલીબોલ જયારે સીધી જિલ્લા કક્ષાએ યોજાનારી રમતોની સ્પર્ધામાં ચેસ, ફૂટબોલ, ટેનિસ કરાટે, આર્ચરી, સાયકલિંગ(રોડ), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, હેન્ડબોલ, કુસ્તી, સ્વિમિંગ ડાઈવીંગ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, યોગાસન, હોકી અને જુડોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સાયકલિંગ (ટ્રેક), બોક્સિંગ, ફેન્સીંગ, શૂટિંગ, વેઇટલિફ્ટિંગ, સોફ્ટબોલ, વુશુ, બેઝબોલ, રગબી, બીચ વોલીબોલ, સેપક ટકરાવ, સોફ્ટટેનિસ, સ્ક્વોશ, કુરાશ, નેટબોલ, મલખંબ, થાંગતામાર્શલઆર્ટ, ગટકા, કલારીપયાટુ, વોટરપોલો, મોડર્ન પેન્ટાથ્લોન જેવી રમતોની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.(File photo)