
દેશમાં 8 વર્ષમાં ગુમ થયેલા 4.46 લાખ પૈકી 3.97 લાખ બાળકોને શોધીને પરિવારજનોને સોંપાયાઃ કેન્દ્રીય મંત્રી
નવી દિલ્હીઃ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન વર્ષ 2015થી અત્યાર સુધીમાં 4.46 લાખ જેટલા બાળકો ગુમ થયાં હતા. જે પૈકી 3.97 લાખ જેટલા બાળકોને શોધીને તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યા હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, બાળ કલ્યાણ માટે સરકારની બજેટ ફાળવણી 2009-10માં રૂ. 60 કરોડથી વધીને ગયા વર્ષે રૂ. 14,172 કરોડ થઈ ગઈ છે.
ગુમ થયેલા બાળકોના મુદ્દે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, 2015 થી ગુમ થયેલા 4.46 લાખ બાળકોમાંથી મોટાભાગના બોળકોનું તેમના પરિવારો સાથે પુનઃમિલન થયું છે. કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાષ્ટ્રીય વાર્ષિક સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનના ઉદઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, 2015માં શરૂ કરાયેલા મંત્રાલયના ખોયા-પાયા પોર્ટલ દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, 4.46 લાખ ગુમ થયેલા બાળકોમાંથી 3.97 લાખ બાળકોને શોધીને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. દરમિયાન, બાળકોને દત્તક લેવાની બાબત પર બોલતા મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, 2021માં જુવેનાઈલ જસ્ટિસ એક્ટમાં સુધારા બાદ દત્તક લેવાની પ્રક્રિયા કોર્ટને બદલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે છે. લગભગ 2,600 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, બાળ કલ્યાણ માટે સરકારની બજેટ ફાળવણી 2009-10માં રૂ. 60 કરોડથી વધીને ગયા વર્ષે રૂ. 14,172 કરોડ થઈ ગઈ છે. 2014 થી, અમે બાળ સંભાળ સંસ્થાઓ દ્વારા સાત લાખથી વધુ બાળકોને સહાય પૂરી પાડી છે.