
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરની આસપાસના વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે રચાયેલા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)માં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. જે જગ્યા ભરાયેલી છે તેના પર પણ આઉટસોર્સિંગ અને ડેપ્યુટેશન પર નિમણૂક કરાયેલી છે જેના કારણે ગુડાની કામગીરીને અસર પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ યાને ગુડાનો વહિવટ આઉટસોર્સથી ચાલી રહ્યો છે. કારણ કે, 4 માર્ચ 2014થી ગુડાના કાયમી કર્મચારીઓ માટેનું મહેકમ મંજૂર થયા બાદ આજની તારીખે પણ 100થી વધુ જગ્યાઓ ખાલી છે. ગુડાના મોટાભાગના વિભાગોના અધિકારીઓ ડેપ્યુટેશન કે ચાર્જમાં છે. જ્યારે વર્ગ -3નો સ્ટાફ પણ આઉટસોર્સિંગથી ભરવામાં આવ્યો છે. ટેક્નિકલ, વહિવટી, બાંધકામ, નાણાં અને અમલીકરણ જેવા મહત્વના વિભાગોમાં વર્ગ -1 થી લઈને વર્ગ-3 સુધીના કુલ મહેકમ 159ની સામે 50 ટકા ભરતી પણ કરાઈ ન હોવાથી મોટી સંખ્યામાં મહેકમ ખાલી છે. કેટલાક કિસ્સામાં કામનું ભારણ ના હોવાનું કારણ આપીને ગુડાના કર્મચારીઓની બદલી કરવામાં પણ આવી રહી છે, વર્ગ -1 અને 2 સહિતની 10 જગ્યાઓ તો મંજૂર થયેલા મહેકમના પ્રથમ દિવસથી જ ખાલી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, 2014માં મંજૂર કરાયેલા મહેકમની જગ્યાઓ રદ ન થઈ જાય તે માટે વખતોવખત વહીવટી મંજૂરી મેળવવામાં આવે છે. ગુડાનો મોટાભાગનો સ્ટાફ ડેપ્યુટેશન-આઉટસોર્સિંગથી જ ભરાયેલો છે. ગુડાનું કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાંયે એકાઉન્ટ ઓફિસર છેલ્લા 6 મહિનાથી ચાર્જમાં છે. જ્યારે ડેપ્યુટી એકાઉન્ટ ઓફિસરની જગ્યા પણ પ્રથમ દિવસથી જ ખાલી છે. આ ઉપરાંત તમામ નાણાકીય અને વહીવટી કામનું ઓડિટ કરનારા ઇન્ટર્નલ ઓડિટરની જગ્યા પણ છેલ્લા 3 વર્ષથી ખાલી હોવાથી ગુડા દ્વારા તમામ પ્રકારનું ઓડિટ આઉટસોર્સ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત નાયબ કલેકટરની 1 જગ્યા 6 મહિનાથી ખાલી છે. 2 મામલતદાર 8 મહિનાથી તેમજ 4 નાયબ મામલતદાર પ્રથમ દિવસથી જ ભરતી કરવામાં આવ્યાં નથી.