
લો બોલો, હોસ્પિટલોમાં પ્રાણવાયુની અછત વચ્ચે હરિયાણામાં ઓક્સિજન ભરેલુ ટેન્કર થયું ગાયબ
- પ્રવાહી ઓક્સિજન ભરેલુ ટેન્કર પાણીપતથી નીકળ્યું હતું
- ટેન્કર સીરસા જવા રવાના થયું હતું
- ડ્રગ કંટ્રોલરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી
દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે. દરમિયાન હરિયાણામાં ઓક્સિજન ભરેલું આખેઆખુ ટેન્કર ભેદી સંજોગોમાં ગાયબ થઈ જતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ઓક્સિજન ભરેલુ ટેન્કર ગુમ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હરિયાણાના પાણીપતથી પ્રવાહી ઓક્સિજન ભરેલુ ટેન્કર જે તે જગ્યાએ પહોંચવાને બદલે ગુમ થઈ જતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે ગુનો નોંધીને ટેન્કરની તપાસ આરંભી છે. જિલ્લા ડ્રગ કંટ્રોલરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટેન્કર પાણીપત પ્લાન્ટમાંથી પ્રવાહી ઓક્સિજન ભરીને સીરસા તરફ રવાના થયું હતું, પરંતુ તે તેના લક્ષ્યસ્થાન પર પહોંચ્યું ન હતું. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ઓક્સિજનની હાલત અંગે દેશમાં સમીક્ષા કરી હતી અને રાજ્યોને તાકીદ કરી હતી કે ઓક્સિજનના કોઈ પણ વાહનને કોઈ પણ પ્રકારના અંકુશ વગર મુક્તપણે જાવા દેવામાં આવે, આની સિવાય પણ મોદી સરકારે ઉદ્યોગોની જગ્યાએ ઓક્સિજનના પુરવઠાને મેડિકલ સપ્લાય તરફ વાળવાનો નિર્ણય લીધો છે.