સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની વાત સાંભળવાની એક ‘ખાસ રીત’ ધરાવે છે. તેમણે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલ, મુખ્ય રાજકીય પક્ષો પર પ્રતિબંધ અને સેનાને બંધારણ બદલવાની છૂટ આપવા જેવા મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે, પાકિસ્તાન પોતાના વડાપ્રધાનને જેલમાં પૂરીને, મુખ્ય રાજકીય પક્ષ પર પ્રતિબંધ મૂકીને અને પોતાની સેનાને સુધારા દ્વારા બંધારણ બદલવાની મંજૂરી આપીને, તેમજ મિલિટરી ચીફને આજીવન કાયદેસર કાર્યવાહીમાંથી છૂટ આપીને, તેના લોકોની વાત સાંભળવાનો ‘અનોખો રસ્તો’ અપનાવે છે.
પાકિસ્તાનના રાજદૂત આસિમ ઇફ્તિખાર અહેમદે UNSCમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ ઉકેલવો જોઈએ. તેના જવાબમાં ભારતીય રાજદૂતે સ્પષ્ટ કર્યું: “જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.” ‘લીડરશિપ ફોર પીસ’ પરની ચર્ચા દરમિયાન પાક. રાજદૂતે જમ્મુ-કાશ્મીરની સાથે સિંધુ જળ સંધિનો પણ હવાલો આપ્યો હતો. તેના પર ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા આપવામાં આવી.
હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, “આજના સત્રમાં પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ ભારત અને તેના લોકોને નુકસાન પહોંચાડવાના તેના વળગણને દર્શાવે છે.” તેમણે ધ્યાન દોર્યું કે, એક બિન-સ્થાયી સભ્ય હોવા છતાં પાકિસ્તાન દરેક પ્લેટફોર્મ પર આ જ એજન્ડાને આગળ ધપાવે છે. સિંધુ જળ સંધિ પર બોલતા ભારતીય રાજદૂતે કહ્યું કે ભારતે 65 વર્ષ પહેલા સારા ઈરાદાથી આ સંધિ કરી હતી, પરંતુ આ સાડા છ દાયકામાં પાકિસ્તાને ત્રણ યુદ્ધો અને હજારો આતંકવાદી હુમલાઓ દ્વારા તેની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે છેલ્લા ચાર દાયકામાં ભારતીય લોકોએ ગુમાવેલા જીવનો ઉલ્લેખ કર્યો, જેમાં એપ્રિલ 2025માં પહેલગામમાં ૨૬ નિર્દોષ નાગરિકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.


