
વડોદરાના હરણી લેક દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને 9 દિવસના રિમાન્ડ
વડોદરાઃ શહેરમાં થોડા દિવસ પહેલા હરણી લેકમાં બોટ ઊંધી વળી જતાં શાળાના 12 બાળકો, 6 શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ બનાવમાં બોટના કોન્ટ્રાટર એવા મુખ્ય સૂત્રાધાર એવા પરેશ શાહ અને ગોપાલ શાહની પોલીસે ધરપકડ કર્યા બાદ વડાદરાની કોર્ટમાં રજુ કરતા બન્ને આરોપીઓને કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીઓએ કોન્ટ્રાક્ટ મેળવીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો, બોટમાં સેફટી માટે પુરતા લાઈફ જેકેટ પણ રખાયા નહતા, અને બિન અનુભવીને બોટચાલક તરીખે રાખવામાં આવ્યો છે. પોલીસ રિમાન્ડ દરમિયાન પુરાવા અને માહિતી મેળવશે.
વડોદરા શહેરના હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગત તા. 18 જાન્યુઆરીએ હરણી લેક ઝોન ખાતે થયેલા બોટકાંડમાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં હતાં. જેમાં બોટિંગ દરમિયાન બેદરકારી અને ગુનાઈત નિષ્કાળજી રાખનારા સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોપાલ પ્રાણલાલ શાહને ટેક્નિકલ સર્વેલન્સના આધારે છત્તીસગઢના રાયપુરની રેસ્ટોરન્ટમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પ્રાથમિક પૂછપરછમાં બનાવ બાદ મહારાષ્ટ્રના મલકપુર, અમરાવતી, નાગપુર ગયો હતો અને ત્યાંથી રાયપુર પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પરેશ રમણલાલ શાહને હાલોલ અને કલોલ વચ્ચે મળસ્કે 3.30 વાગે લારી પર ચા પીતાં ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પરેશ શાહે આણંદ જિલ્લા અને પંચમહાલ વચ્ચે સ્થળ બદલી છુપાયો હોવાનું કહ્યું હતું. જો કે, પોલીસને તેની વાત પર વિશ્વાસ નથી. પોલીસની ટીમો અલગ- અલગ રાજ્યોમાં અન્ય આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.
મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે, કોર્ટે બંને આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ આરોપીઓની પૂછપરછમાં સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરશે.