
સાઉથ ગ્લોબલની મહિલા શાંતિરક્ષકો માટેની પરિષદમાં સહભાગીઓના એક જૂથે આજે (24 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુની મુલાકાત લીધી હતી. સહભાગીઓને સંબોધન કરતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે શાંતિ રક્ષક મિશનમાં મહિલાઓની હાજરી તેને વધુ વૈવિધ્યસભર અને સમાવિષ્ટ બનાવે છે. મહિલા શાંતિરક્ષકો ઘણીવાર સ્થાનિક સમુદાયોમાં વધુ પહોંચ ધરાવે છે અને મહિલાઓ અને બાળકો માટે રોલ મોડેલ તરીકે સેવા આપી શકે છે. તેઓ લિંગ-આધારિત હિંસાને સંબોધવા, વિશ્વાસનું નિર્માણ કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે વધુ સારી રીતે સજ્જ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલા કર્મચારીઓની ઊંચી ટકાવારી વાળા શાંતિ અભિયાનો હિંસા ઘટાડવામાં અને લાંબા સમય સુધી ચાલનારા શાંતિ કરારો કરવામાં વધુ અસરકારક રહ્યા છે. એટલે એ જરૂરી છે કે આપણે સંયુક્ત રાષ્ટ્રશાંતિ અભિયાનોમાં વધારે મહિલાઓને સામેલ કરીએ.
રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ સંવર્ધનમાં ભારતનાં પ્રદાનનાં ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો. જેમાં 2,90,000થી વધારે ભારતીય શાંતિરક્ષકોએ સંયુક્ત રાષ્ટ્રનાં 50થી વધારે શાંતિરક્ષક અભિયાનોમાં સેવા આપી હતી. અત્યારે 9 સક્રિય મિશનોમાં 5,000થી વધારે ભારતીય શાંતિરક્ષકો છે. જેને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનાં ઉદ્દેશ માટે અવારનવાર શત્રુતાપૂર્ણ સ્થિતિમાં તૈનાત કરવામાં આવ્યાં છે. તેમને એ જાણીને આનંદ થયો કે ભારતીય મહિલા શાંતિરક્ષકો ફરજના કોલમાં મોખરે રહી છે. અત્યારે સંયુક્ત રાષ્ટ્રનાં છ અભિયાનોમાં 154થી વધારે ભારતીય મહિલા શાંતિરક્ષકો તૈનાત છે. કોંગોમાં 1960ના દાયકાથી માંડીને 2007માં લાઇબેરિયામાં પોલીસિંગ સુધી, આપણી મહિલા શાંતિ રક્ષકોએ વ્યાવસાયિકતા અને આચરણની સર્વોચ્ચ પરંપરાઓનું પ્રદર્શન કર્યું છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલય અને સેન્ટર ફોર યુએન પીસકીપિંગ, નવી દિલ્હી સાથે ભાગીદારીમાં આયોજિત “વુમન ઇન પીસકીપિંગ: અ ગ્લોબલ સાઉથ પરસ્પેક્ટિવ” વિષય પર આયોજિત એક સંમેલનમાં ભાગ લેવા માટે મહિલા શાંતિરક્ષકો નવી દિલ્હીમાં છે. આ સંમેલનનો ઉદ્દેશ સાઉથ ગ્લોબલની મહિલા અધિકારીઓને એકસાથે લાવવાનો છે. જેમાં શાંતિરક્ષક દળો માટે સમકાલીન પ્રાસંગિકતા અને શાંતિ અભિયાનો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારો પર ચર્ચા કરવામાં આવશે.