વૈશ્વિક યુદ્ધને પગલે 85 દેશોમાં પેટ્રોલના ભાવ ભડકે બળ્યા, ભારતમાં કિંમતો સ્થિર
નવી દિલ્હી, 12 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ ઊભું થયું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષની અસર દુનિયાના ખૂણેખૂણે જોવા મળી રહી છે. ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસીસના રિપોર્ટ અનુસાર, યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વના ઓછામાં ઓછા 85 દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જોકે, આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે અહીં ઇંધણના ભાવમાં એક પૈસાનો પણ વધારો થયો નથી.
ભારત પણ આ વૈશ્વિક તણાવથી અલિપ્ત નથી. દેશમાં હાલમાં તેલના પુરવઠાને લઈને કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ ગેસ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની ખાડીમાં અવરોધને કારણે ગેસ આયાતમાં અવરોધો ઉભા થયા છે.
યુદ્ધ પછી ઇંધણના ભાવમાં થયેલા વધારાના આંકડા ચોંકાવનારા છે. વિયેતનામમાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ 50 ટકાનો વધારો થયો છે. લાઓસમાં ઈંધણની કિંમતોમાં 33 ટકાનો વધારો થયો છે. આવી જ રીતે અમેરિકામાં પેટ્રોલની કિંમત સરેરાશ 2.94 ડોલરથી વધીને 3.58 ડોલર પ્રતિગેલન થયું છે. જ્યારે કોલિફોનિયામાં ભાવ પાંચ ડોલરને પાર થઈ ગયો છે. ચીનમાં પેટ્રોલના બાવમાં 10 ટકાનો તથા કેનેડામાં 11.64 ટકાનો વધારો થયો છે.
જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય એશિયાઈ દેશો તેલ અને ગેસ માટે હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર છે. સપ્લાય બંધ થવાને કારણે જાપાને તેના ‘સ્ટ્રેટેજિક રિઝર્વ’ (વ્યૂહાત્મક તેલ ભંડાર) નો ઉપયોગ કરવાની તૈયારી કરી છે. દક્ષિણ કોરિયાએ તો 30 વર્ષમાં પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ પર ‘મેક્સિમમ પ્રાઈસ કેપ’ લગાવી દીધી છે. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ વધુ ગંભીર છે. આ દેશો પાસે આર્થિક બફર (નાણાકીય અનામત) ઓછું હોવાથી અને તેલનો જથ્થો પણ મર્યાદિત હોવાથી ત્યાં મોંઘવારી બેકાબૂ બની શકે છે. ભારત અત્યારે રશિયા અને અન્ય વિકલ્પો દ્વારા તેલની આયાત જાળવી રાખવામાં સફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર છે.
આ પણ વાંચોઃ OBC અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: ક્રિમી લેયરના નિયમો બદલાયા


