
પોરબંદરઃ ગુજરાત પર હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. એર સાઈક્લોનિક સર્ક્યુલેશન ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આજે દિવસ દરમિયાન 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 5 ઈંચ, જુનાગઢના માંગરોળમાં ત્રણ ઈંચ, માળિયા હાટીનામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરના માધાપુરમાં વહેલી સવારે ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચેના ગામોને એલર્ટ કરાયા છે.
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાની શાનદાર બેટિંગ જોવા મળી છે. માધવપુરમાં આજે વહેલી સવારે ત્રણ કલાક ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ બરડા પંથકના વિસાવાડા, મોઢવાડા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા છે. માળિયા હાટીના પાસે આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ડેમ નીચેના ગામોને એલર્ટ કરાયા છે. તેમજ નદીના પટમા અવરજવર ન કરવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં માળીયા હાટીના તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કેશોદમાં ૪ MM વરસાદ નોંધાયો છે. પોરબંદરના માધાપુરમાં વહેલી સવારે ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો, જેથી માઘવપુરના બજારોમાં પાણી ભરાયા હતા, જેથી વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો.