
પાલનપુરઃ ગુજરાતમાં રાષ્ટ્રીય ધારી માર્ગો ચોમાસા દરમિયાન બિસ્માર બન્યા હોવા છતાં એના મરામત માટે હાઈવે ઓથોરિટી દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. પાલનપુરથી આબુ જતાં નેશનલ હાઈવે પર તો ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. તેમજ પાલનપુર નજીક હાઈવે પર કપચી પણ ઉખડી ગઈ છે. છેલ્લા મહિનાઓથી વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. છતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કોઈ પરવાહ નથી. આ વિસ્તારના સ્થાનિક સાંસદ દ્વારા હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરે તો જ સમસ્યા ગલ થઈ શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આબુ હાઇવે પર પાલનપુર આરટીઓ સર્કલથી હનુમાન ટેકરી વચ્ચેના બિહારી બાગ પાસેના ડીપ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે આ સમસ્યા પાછલા કેટલાક વર્ષોથી અત્યંત સામાન્ય બની ગઈ છે. જોકે અગાઉ તો જે ખાડા પડતા હતા તે તુરંત રીપેર કરી દેવાતા હતા પરંતુ આરટીઓ બ્રિજ બનવાની કામગીરી બાદ નેશનલ હાઈવેનો બ્રિજ નીચેનો ભાગ રાજ્ય સરકારના એનએચ વિભાગ પાસે આવી જતા રસ્તા રીપેરીંગની બાબતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે કોઈ પણ પ્રકારની તસદી લેતું નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની કચેરી પાલનપુરના બિહારી બાગના ખાનગી કોમ્પલેક્ષમાં આવેલી હોવા છતાં કચેરી સામે પડેલા ખાડાંઓ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને દેખાતા નથી. રવિવારે થયેલા કમોસમી વરસાદ બાદ રોડ ઉપર એટલા ખાડા પડ્યા છે કે તમામ વાહનો ખાડામાં પટકાય છે. બિહારી બાગ પાસેના હાઈવે પર એક બે ત્રણ નહીં પરંતુ નાના મોટા 28 થી 30 ખાડા છે. આખો રસ્તો આરસીસી બનાવો પડે એવી સ્થિતિ છે. અત્યંત હેવી ટ્રાફિક અહીંથી પસાર થાય છે જ્યારે જ્યારે રસ્તો રીપેર કરાય એ બાદ એમાંથી કપચી અને ડામર છૂટો પડી જાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલનપુરમાં હાઈવે પર છેલ્લા બે દિવસમાં અનેક કાર અને રિક્ષાઓ પાણીમાં ફસાઈ હતી. જેથી ટ્રાફિક પણ જામ થયો હતો, શહેર વચ્ચેથી હાઈવે પસાર થાય છે. નગરપાલિકાનું તંત્ર પણ આ મુદ્દે હાઈવે ઓથોરિટીને રજુઆત કરતું નથી