
ભૂજ-લખપત હાઈવે પર ઠેર ઠેર ખાડા, ટોલપ્લાઝા ખાડાઓ ન પુરે તો ટ્રક એસો. ચક્કાજામ કરશે
ભૂજઃ હાઈવે પર વાહનચાલકો ટોલ ચુકવતા હોવા છતાંયે ટોલપ્લાઝા દ્વારા હાઈવે પર પડેલા ખાડાં પુરવામાં આવતા નથી, તેથી વાહનોને નુકશાન થઈ રહ્યું છે. ભુજ-લખપત હાઇવે પર વરસાદના કારણે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જો ટોલપ્લાઝા દ્વારા ખાડા પુરવામાં નહીં આવે તો પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશને ચક્કાજામની ચિમકી આપી છે. આ અંગે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ નિષ્ક્રિય છે.
લખપત-ભુજ હાઇવે પર વરસાદ બાદ ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. નખત્રાણાથી ભુજ તરફ જતા લિગ્નાઇટ, મીઠું પરિવહન કરતા ભારેખમ વાહનોને ઠેરઠેર ખાડાના કારણે ત્રણ કલાકથી વધુ સમય લાગે છે. અધુરામાં પૂરું વારંવાર પટ્ટા તૂટી જતા ટ્રક ચાલકો માટે ‘ઘાટ કરતા ઘડામણ મોઘું’ જેવી સ્થિતિ ઉભી થાય છે. ચોમાસાની સિઝનમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં હાલ મંદી ચાલી રહી છે અને બીજી તરફ રોડ પરના ખાડાના કારણે વાહનોમાં થતી નુકસાની માથે પડે છે. અધુરામાં પૂરું રખડતા ઢોર પણ રોડ ઉપર આવી જાય છે, જેથી સતત અકસ્માતનો ભય રહે છે.
હાઈવે પર ટોલપ્લાઝા દ્વારા ટોલ ઉઘરાવાય છે પરંતુ રોડ પરના ખાડા પૂરાતા નથી. નખત્રાણાથી સામત્રા વચ્ચે અનેક ખાડા જીવલેણ સાબિત થયા છે. પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તેમજ કારોબારી સભ્યોએ ભુજ-નખત્રાણા હાઇવે પર પડેલા ખાડા બાબતે સામત્રા ટોલ પ્લાઝા પર જઈ જવાબદાર અધિકારીને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે અને જો 5 દિવસમાં ખાડા નહીં પૂરાય તો ચક્કાજામ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.