વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ, સરકારે CMની અધ્યક્ષતામાં16 સભ્યોની કોર કમિટી બનાવી
ગાંધીનગર: રાજ્યમાં વધુને વધુ મુડી કોરાણો આવે તે માટે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવે છે. સરકારે દુબઈ એક્સ્પોમાં પણ ભાગ લઈને મુડી રોકાણો આકર્ષવાના પ્રયાસો કર્યા છે. તદઉપરાંત દેશના મેટ્રો શહેરોમાં રોડ શો યોજવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આમ સરકારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 16 સભ્યોની કોર કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સમગ્ર કાર્યક્રમના આયોજન માટે કોર કમિટીની રચના કરવામાં આવી છે. કોર કમિટીની નીચે એક એક્ઝિક્યુટિવ કમિટીની રચના પણ કરવામાં આવી છે. તમામ આયોજનો સફળ બનાવવા સમિતિઓ પરામર્શ કરીને હવે આગામી નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળ બાદ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે. રાજ્ય સરકાર આ મેગા ઈવેન્ટના આયોજનને આખરી ઓપ આપી રહી છે. રાજ્યમાં 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન ગાંધીનગરના મહાત્મામંદિર ખાતે વાયબ્રન્ટ સમિટ યોજાશે. નોંધનીય છે કે છેલ્લે 2019માં વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન સમયે આ ઇવેન્ટ માટે મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને વાયબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. હવે કોરોનાનું સંકટ હળવું પડતા રાજ્ય સરકાર વાયબ્રન્ટ મેગા સમિટની તૈયારીઓ કરી રહી છે. ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે તેનું આયોજન કરવામાં આવશે. કોરોનાને જોતા આ વખતે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન વર્ચ્યુઅલી પણ કરવામાં આવી શકે છે. જે પાર્ટનર કન્ટ્રી રૂબરૂ હાજર ન રહી શકે તો વર્ચ્યુઅલી હાજરી આપી શકે છે. મહત્વનું છે કે દર વખતે વાયબ્રન્ટ સમિટનો પ્રચાર માટે અને પાર્ટનર દેશોને આમંત્રણ આપવા માટે અધિકારીઓ વિવિધ દેશોના પ્રવાસે જતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે બધાને રૂબરૂ આમંત્રણ આપવા જવાની શક્યતા નથી.