વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી મકર સંક્રાંતિની શુભકામનાઓ
નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં આજે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા દેશવાસીઓને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ આ તહેવારને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવતા સૌના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું કે, સમસ્ત દેશવાસીઓને મકર સંક્રાંતિની અસીમ શુભકામનાઓ. તલ અને ગોળની મીઠાશથી ભરેલો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો આ દિવ્ય અવસર દરેકના જીવનમાં પ્રસન્નતા, સંપન્નતા અને સફળતા લઈને આવે. સૂર્યદેવ સૌનું કલ્યાણ કરે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ આનંદમય ઉત્સવ દેશમાં એકતાના બંધનને વધુ મજબૂત કરશે અને સમાજમાં હકારાત્મકતા લાવશે.
પીએમ મોદીએ સંસ્કૃતિ અને પરંપરાનો ઉલ્લેખ કરતા એક અન્ય પોસ્ટમાં સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો. તેમણે જણાવ્યું કે દેશના વિવિધ ભાગોમાં આ તહેવાર સ્થાનિક રીત-રિવાજો મુજબ ઉજવાય છે. ઉત્તરાયણના આ મહાપુણ્ય કાળમાં સૂર્યદેવ સૌના જીવનમાં સુખ-સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય આપે તેવી તેમણે કામના કરી હતી.
ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણ માટે પીએમ મોદીએ વિશેષ સંદેશ આપતા કહ્યું કે, “ઉત્તરાયણના શુભ અવસરે હાર્દિક શુભેચ્છાઓ! આ પવિત્ર તહેવાર આપના જીવનને ખુશીઓથી ભરી દે અને સૌને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે.” આ ઉપરાંત, તેમણે આસામના લણણીના તહેવાર ‘માઘ બિહુ’ નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે બિહુને સમૃદ્ધિ અને એકજૂથતાનો તહેવાર ગણાવતા ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચોઃથાઇલેન્ડમાં ક્રેન ચાલતી ટ્રેન પર પડી જતાં 22 લોકોના મોત


