
નવી દિલ્હી: સેનેગલની અદાલતમાંથી જામીન મળ્યા બાદ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારી ફરાર થયો છે. તપાસ એજન્સીઓએ આ અહેવાલની પુષ્ટિ કરી છે. આ વર્ષે 21 જાન્યુઆરીએ સેનેગલમાં ભારતીય એજન્સીના ઈનપુટ પર રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી હતી.

રવિ પુજારીના નિકટવર્તીઓનું કહેવું છે કે બે દિવસ પહેલા તેને જામીન મળી હતી. પરંતુ જામીન મળ્યા બાદથી જ તેની કોઈ જાણકારી નથી. તેમણે એમ પણ ક્હ્યુ છે કે જો તે સેનેગલની બહાર નીકળી જશે,તો તેને પકડવો ફરી એકવાર મુશ્કેલ બની જશે.
તપાસ એજન્સીઓ પ્રમાણે, અદાલતે રવિ પુજારીને સશર્ત જામીન અપ્યા હતા. તેના પછી તેનો પાસપોર્ટ અદાલતે જપ્ત કરી લીધો હતો. રવિ પુજારી ઘણાં દિવસોથી આફ્રિકન દેશ સેનેગલમાં રહેતો હતો. ભારતીય એજન્સીઓએ તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
એજન્સીઓ તેને ભારત લાવવાની તૈયારીમાં હતી. સેનેગલથી પહેલા રવિ પુજારી બર્કિમા ફાસોમાં રહેતો હતો. રવિ પુજારી પર ભારતમાં ઘણાં મામલા નોંધાયેલા છે. ગત વર્ષ જૂનમાં ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી કે રવિ પુજારીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
તેમણે કહ્યુ હતુ કે તેમને ફોન કૉલ અને મેસેજ દ્વારા ધમકાવામાં આવે છે. ધમકાવનારો ખુદને રવિ પુજારી ગણાવી રહ્યો છે.