
અનંતનાગઃ ઈદની નમાજ બાદ કટ્ટરપંથીઓએ સુરક્ષા જવાનો ઉપર કર્યો પથ્થરમારો
નવી દિલ્હીઃ ભારતમાં આજે ધાર્મિક માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કેટલાક સ્થળો ઉપર તંગદીલીની ઘટના સામે આવી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કટ્ટરપંથીઓએ ફરી એકવાક સુરક્ષા જવાનોને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અનંતનાગ જિલ્લામાં મસ્જિદની બહાર ઈદની નમાઝ બાદ કટ્ટરપંથીઓએ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં આઝાદ કાશ્મીરને લઈને સુત્રોચ્ચાર કર્યાં હતા. આ બનાવને પગલે સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર દક્ષિણી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મસ્જીદમાં ઈદની નમાઝ પઢવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકો ઉમટ્યાં હતા. નમાઝ બાદ કટ્ટરપંથીઓ અહીં ફરજ બજાવતા સુરક્ષા જવાનોને નિશાન બનાવ્યાં હતા. તેમજ સુરક્ષા જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નમાઝ બાદ કટ્ટરપંથીઓએ આઝાદ કાશ્મીરને લઈને સુત્રોચ્ચાર કર્યાં હતા. જેથી સુરક્ષા જવાનોએ તેમને અટકાવવાના પ્રયાસ કર્યાં હતા. જેથી કટ્ટરપંથીઓએ તેમને નિશાન બનાવીને પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબુમાં છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.