રાહુલ દ્રવિડ ODI સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર રહેશે નહીં,જાણો કોને મળી આ જવાબદારી
મુંબઈ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સમાં રમાશે. આ સિરીઝ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. રાહુલની કપ્તાનીમાં ઘણા યુવા ખેલાડીઓને વનડે ટીમમાં તક આપવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ODI સિરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જ્યાં રાહુલ દ્રવિડ ODI સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર રહેશે નહીં.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ આ સિરીઝ દરમિયાન એક એવી ટીમની કેપ્ટનશીપ કરશે જ્યાં ઘણા ખેલાડીઓ યુવા હશે, જ્યારે કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જે લાંબા સમય બાદ વનડેમાં વાપસી કરશે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર જેવા ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા અને તક મળે તો બધાનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છે છે.
ટીમની સાથે પ્રવાસની ODI સિરીઝ માટે કોચિંગ સ્ટાફમાં પણ ફેરબદલ કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ દિગ્ગજ સિતાંશુ કોટક અને NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો દ્રવિડ અને તેના માણસોની ગેરહાજરીમાં ODI ટીમની જવાબદારીઓ સંભાળતા જોવા મળશે. અહેવાલ મુજબ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા ફિલ્ડિંગ કોચ તરીકે જ્યારે રાજીબ દત્તા બોલિંગ કોચનું પદ સંભાળશે.
જ્યારે ભારત વનડે સિરીઝ જીતવા આતુર છે, ત્યારે વનડે પછી બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જ્યાં ભારતના ઘણા સિનિયર ખેલાડીઓ ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ ઉપરાંત, ભારત બે ટેસ્ટ મેચમાં એક જીત અને એક ડ્રો સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરીને પોતાની રેન્કિંગને વધુ મજબૂત કરવા ઈચ્છશે. તે જ સમયે, ભારત દક્ષિણ આફ્રિકામાં એક વખત પણ ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી.


