
રાજકોટ અગ્નિકાંડ, TRP ગેમ ઝોનમાં વેલ્ડિંગના તણખાએ 28નો ભોગ લીધો, CCTVના કૂટેજ મળ્યા
રાજકોટઃ શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 28 લોકોનો ભોગ લેવાયો છે. ટીઆરપી ઝોનમાં આગ કેવી રીતે લાગી તેની પોલીસ, ફાયરબ્રગેડના અધિકારીઓ તેમજ એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વેલ્ડિંગનું કામ ચાલતુ હતું ત્યારે તેના તણખાથી આગ લાગ્યાના સીસીટીવી સામે આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. તણખા નીચે ઝરતા ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ આગ બુઝાઈ ન હતી. તણખા સ્વરૂપે શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેના તેના સીસીટીવી સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થયા છે.
રાજકોટમાં શનિવારે સાંજના સમયે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા દોડધામ મચી હતી. શેડમાં ઉપરના ભાગે વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી. દરમિયાન શનિવારે 5.33 વાગ્યે તણખા પડવાના શરૂ થયા હતા. આગ ધીમે ધીમે વધતી ગઈ અને 5 મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા નિકળી રહ્યા છે. રાત્રિના 9 વાગ્યે આગ ઓલવી દીધા બાદ શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે જેસીબી ચાલુ કર્યું હતું અને તેનો પાવડો બીજા માળ સુધી પહોંચીને પતરું તોડતાં જ બહારની હવા અંદર ગઈ હતી અને ફરી આગ ભભૂકી હતી. સ્થળ પર ફાયર ટેન્કર હતા એટલે ફરી આગ બુઝાવાઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ-અલગ કારણો બહાર આવી રહ્યાં છે. ત્યારે ઘટનાસ્થળે સૌ પ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક મિનિટમાં આગ છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ. ગેમ ઝોનમાં રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. અંદાજે 2500 લિટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો હતો. જ્યારે લોખંડ અને પતરાંના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને બાળકો સહિતના લોકો અંદર હતા તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો-બચાવોની બૂમો પાડી હતી.