રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતાં કાલથી 3 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી તા.19મી નવેમ્બરથી ત્રણ દિવસ સુધી મ્યુનિ. દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપના ગત 19 નવેમ્બર 1973માં કરવામાં આવી હતી. જેને લઈને 50 વર્ષ પૂર્ણ થતાં. ગોલ્ડન જ્યુબિલી અંતર્ગત 19થી 21 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક જ દિવસમાં 50 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમ મ્યુનિ.ના મેયર નયના પેઢડિયાએ જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શહેરમાં કાલે 19 નવેમ્બરને રવિવારે ફાયરબ્રિગેડ વિભાગની ક્ષમતા, સુસજ્જતા દર્શાવતી જનજાગૃતિ રેલી શહેરના કાલાવડ રોડ ફાયર સ્ટેશન, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક સુધી યોજાશે. તેમજ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી અને મહારાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવશે. તેમજ વિધાનસભા વિસ્તાર વાઈઝ ‘હેલ્થ એન્ડ વેલનેસ’ સેન્ટરોનો શુભારંભ કરાશે. જેમાં શહેરનાં 23 આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ 2 (બે) એવી રીતે કુલ 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની શરૂઆત કરાશે. જેમાં 1 MBBS ડોક્ટર, 1 સ્ટાફ નર્સ, 1 MPHW તથા 2 સહાયક સ્ટાફ દ્વારા સવારે 9થી 1 અને સાંજે 5થી 9 દરમિયાન નિઃશુલ્ક ઓપીડી સેવાઓ અપાશે. પ્રથમ તબક્કામાં 4 સ્થળોએ હેલ્થ અને વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવશે. જેમાં વિધાનસભા-68 ન્યુ સાગર સોસાયટી, બજરંગ કૃપા, ન્યુ સાગર સોસાયટી-5, કોઠારિયા રોડ, (વોર્ડ નં.16), વિધાનસભા-69 લક્ષ્મી નગર મેઈન રોડ, શેરી નં.6(A) ના ખૂણા પાસે, આત્મન ડેન્ટલ ક્લિનિકની બાજુમાં (વોર્ડ નં. 8), વિધાનસભા-70 નવલનગર 3, વાછરાદાદાના મંદિરની બાજુમાં, નિધિ ક્લિનિકની બાજુમાં (વોર્ડ નં.13) અને વિધાનસભા-71 વાવડી ગામ, શેરી નં. 3, વોર્ડ ઓફીસવાળી શેરી, અને વાવડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રવિવારે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે તા. 20 નવેમ્બરના રોજ ટેલેન્ટ હન્ટ એકેડેમીના બાળકોને પસંદગીપત્ર એનાયત, કિટ વિતરણ તથા બસ પાસ રજીસ્ટ્રેશન કેમ્પ વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષમાં યોજાશે. તેમજ ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ 2023 અંતર્ગત ફુટબોલ, હોકી, બેડમિન્ટન, ક્રિકેટ, એથ્લેટીકસ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ, વોલીબોલ સહિતની રમતોમાં પસંદગી પામનાર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં 320 જેટલા બાળકોના નામો જાહેર કરાશે. પ્રત્યેક રમતમાં અંડર 10 કેટેગરીના 20 તથા અંડર 14 કેટેગરીના 20 બાળકો મળી કુલ 40 બાળકો એમ મળીને 8 રમતમાં કુલ 320 બાળકો સીલેકટ કરવામાં આવ્યા છે. આ સીલેકટ થયેલા ખેલાડીઓને 3 વર્ષ માટેની તાલીમ આપવામાં આવશે. એસોસિએશનનાં કોચ દ્વારા રોજ સવારે અને સાંજે 2 કલાક આ તાલીમ આપવાની સાથે ડ્રેસ, સ્પોર્ટસ ઇકવીપમેન્ટ, તેમજ ફ્રી બસ ટ્રાન્સપોર્ટેશન માટે પાસ (ખેલાડી તથા 1 વાલીને) આપવામાં આવશે. આ ઉપરાંત ‘દિવાળી ઉત્સવ’ અંતર્ગત યોજાયેલ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર વિતરણ વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતે કરવામાં આવશે.
આ ઉપરાંત તારીખ 21 નવેમ્બરે ત્રણેય ઝોનમાં મહાસફાઈ ઝુંબેશ તેમજ ન્યારી ડેમ સાઇટ ખાતે સઘન વૃક્ષારોપણ કરાશે. સાથે-સાથે મનપાની 50મી વર્ષગાંઠ નિમિતે 50 કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ જે-તે વોર્ડ-વિસ્તારમાં કરવામાં આવશે. ઉપરાંત વિવિધ કાર્યક્રમો જેવા કે, સાંસ્કૃતિક કાર્યક્રમ, જનજાગૃતિ રેલી, સફાઈ ઝુંબેશ, વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમો મારફત શહેરની પ્રાથમિક સુવિધામાં વધારો થશે, વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશ મારફત પ્રદૂષણ અને ગંદકીમાં ઘટાડો થશે, જ્યારે હેલ્થ અને વેલનેસ સેન્ટર મારફત લોકોની આરોગ્યલક્ષી સેવામાં વધારો થશે.