
PM નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટના હીરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું 27મી જુલાઈએ લોકાર્પણ કરાશે,
રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર હીરાગામ પાસે ગ્રીન ફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટનું બિલ્ડિંગ, રન-વે વગેરેનું કામ પૂર્ણ થતા એરપોર્ટ માટે લાઇસન્સ પ્રક્રિયાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 27 મી જુલાઈનાં રોજ હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી પૂરતી શક્યતા છે. આ અંગે કહેવાય છે. કે, જિલ્લા કલેકટરને પીએમઓમાંથી સુચના મળતા વહિવટી તંત્રએ વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. હીરાસર એરપોર્ટ ખાતે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે.
રાજકોટ નજીક હીરાસર એરપોર્ટ બનીને તૈયાર થઈ ગયુ છે. આ મહિનાના એટલે કે, જુલાઈ માસના પ્રારંભે જ ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની ટીમ નિરીક્ષણ માટે આવી હતી. ડીજીસીએના અધિકારીઓએ ત્રણ દિવસ નિરીક્ષણ કર્યું હતું. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા હીરાસર એરપોર્ટ ઉપર અત્યાર સુધી કરવામાં આવેલા કેલિબ્રેશન (ફ્લાઈટ ટેસ્ટીંગ)ની તમામ જાણકારી ઉપરાંત અન્ય મહત્વના દસ્તાવેજોને ડીજીસીએમાં સબમિટ કરાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત એરપોર્ટ આસપાસ એરક્રાફ્ટના લેન્ડીંગ કે ટેકઓફ માટે કોઈ જોખમરૂપ બિલ્ડીંગ કે અન્ય કોઈ અવરોધ અંગે તેમજ એરપોર્ટના ગ્રાઉન્ડના ફીચર્સ, રન-વે અને તેનો સ્લોપ સાથે એરપોર્ટનાં કેલીબ્રેશન, ફાયર સ્ટેશન,એરક્રાફ્ટ પાર્કિંગ, એ.ટી.સી.(એર ટ્રાફિક કંટ્રોલર ટાવર) સહિતનાં તમામ મુદ્દે ઝીણવટભરી તપાસ કરી રીપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટનાં આધારે હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ડીજીસીએનું ક્લિયરન્સ મળી જતા લાયસન્સને મંજૂરી આપવામાં આવી હતી.
હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ આગામી 27મી જુલાઇની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. ઉપરાંત વડાપ્રધાનની એક જાહેરસભા પણ યોજાશે જેને લઇ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જેમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ પોલીસ અને એરપોર્ટ ઓથોરીટીની એક મહત્વની મીટીંગ પણ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિમીની સ્પીડથી ઊડી શકે એવાં ‘સી’ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. જેને પગલે એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, એમઆરઓ /હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, અને હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી 2 કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર પણ કાર્યરત કરાશે.