1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભા ચૂંટણી જંગ: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી
રાજ્યસભા ચૂંટણી જંગ: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી

રાજ્યસભા ચૂંટણી જંગ: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી

0
Social Share

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કોંગ્રેસ પાર્ટીએ આગામી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં વરિષ્ઠ નેતાઓની સાથે અનુભવી ચહેરાઓને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેલંગાણા રાજ્યમાંથી કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને જાણીતા ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. તેમની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નજીકના ગણાતા સલાહકાર વેમ નરેન્દ્ર રેડ્ડીને પણ ટિકિટ આપવામાં આવી છે. રાજ્યમાં કોંગ્રેસ પાસે પુરતું સંખ્યાબળ હોવાથી આ બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

છત્તીસગઢમાં કોંગ્રેસે દિગ્ગજ આદિવાસી નેતા ફૂલો દેવી નેતામ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 54 વર્ષીય ફૂલો દેવી કોંડા ગાંવ જિલ્લાના રહેવાસી છે અને લાંબા સમયથી આદિવાસી સમાજ માટે સક્રિય રાજકારણમાં છે. વર્ષ 2020માં તેઓ પ્રથમવાર રાજ્યસભામાં ગયા હતા. તેમનો વર્તમાન કાર્યકાળ 9 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ પાર્ટીએ તેમની કામગીરી અને જનસંપર્કને જોતા તેમને સતત બીજી વાર તક આપી છે. હરિયાણાથી દલિત સમુદાયના નેતા કરમવીર સિંહ બૌદ્ધને ટિકિટ મળી છે, જેઓ સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે. આ ઉપરાંત હિમાચલપ્રદેશમાંથી યુવા નેતા અનુરાગ શર્મા અને તમિલનાડુથી એમ ક્રિસ્ટોફર તિલને ઉમેદવાર બન્યાં છે.

રાજ્યસભાની ચૂંટણી માટે 5 માર્ચ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે જ નામોની જાહેરાત કરવામાં આવી છે. 6 માર્ચના ફોર્મ ચકાસણી કરવામાં આવશે. 9 માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 16 માર્ચના રોજ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ચુંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણી પરિણામો બાદ રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળ અને વિપક્ષી ગઠબંધનની સ્થિતિ પર મહત્વની અસર પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code