અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્દઘાટન આ તારીખે થશે,અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ નવેમ્બરથી થશે શરૂ
લખનઉ: અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવેમ્બર મહિનાથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ્સ શરૂ થશે. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે નવેમ્બરથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે પછી, માંગના આધારે, અન્ય શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે જણાવ્યું હતું કે એરપોર્ટના પ્રથમ તબક્કા માટે રનવે બનાવવામાં આવ્યો છે અને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું 78 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગની સુવિધા હશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અયોધ્યા એરપોર્ટ પ્રોજેક્ટને ખૂબ જ ઝડપી ગતિએ લાગુ કરી રહી છે.
એરપોર્ટ 821 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ પર 320 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એરપોર્ટ પર 24 એરોપ્લેન માટે પાર્કિંગની સુવિધા હશે. શરૂઆતમાં 60 મુસાફરોની બેઠક ક્ષમતા ધરાવતા નાના વિમાન એરપોર્ટ પર ઉતરશે. જ્યારે એરપોર્ટનો અંતિમ તબક્કો પૂર્ણ થશે ત્યારે તે 2025 સુધીમાં બોઇંગને ટેકઓફ કરવા માટે તૈયાર હશે.
AAIના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટના પ્રવેશદ્વાર અને મુખ્ય ઇમારત મુસાફરોને રામાયણ યુગની અનુભૂતિ કરાવશે. એરપોર્ટ બિલ્ડિંગની ઊંચાઈ રામ મંદિર જેવી હશે. ભગવાન રામના મુખ્ય શસ્ત્રો, ધનુષ અને તીર અને રામાયણ યુગની અન્ય વિવિધ કલાકૃતિઓ એરપોર્ટના લાઉન્જ વિસ્તારની દિવાલો પર પ્રદર્શિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્દઘાટન તારીખ 22 જાન્યુઆરી 2024 ના રોજ થશે. રામ મંદિરના ઉદ્દઘાટનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવશે. રામલલ્લા ને તારીખ 22 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં બેસાડવામાં આવશે..આમ,રામ મંદિરના ઉદ્દઘાટનનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

