
રેલવે સુરક્ષા દળ RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે
સુરતઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોનું પણ અનાવરણ કર્યું હતું. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે RPF કર્મચારીઓ ટૂંક સમયમાં VHF સેટથી સજ્જ થશે અને તેમની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે અદ્યતન ડિજિટલ અને ડ્રોન તાલીમ મેળવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવે આગામી દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે 12 હજાર વિશેષ ટ્રેન ચલાવશે. છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેની પરિવર્તનશીલ પ્રગતિ પર પ્રકાશ પાડતા, અશ્વિની વૈષ્ણવે નોંધ્યું કે 35 હજાર કિલોમીટર નવા રેલવે ટ્રેક બનાવાયા છે, અને 99 ટકા રેલવે વીજળીકરણ પૂર્ણ થયું છે. આ પ્રસંગે તેમણે RPF પરેડનું નિરીક્ષણ કર્યું અને 40 કર્મચારીઓને તેમની ઉત્તમ સેવા બદલ પુરસ્કારો પ્રદાન કર્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી તેજીથી ચાલી રહી છે. દરમિયાન તાજેતરમાં જ કેન્દ્રીય રેલવે મંત્રીએ કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.