
ગાંધીનગરઃ રાજ્યના મહાનગરનોમાં ડ્રેનેજની સફાઈ માટે ઉતરતા સફાઈ કામદારોના ઝેરી ગેસની ગુંગળામણથી મોતના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. આથી ગટરની સફાઈ કરવા માટે કોઈ માણસને મેન હોલમાં ઉતારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માનવીય ગરિમાના રક્ષણ માટે લેવાયેલા આ નિર્ણયના કારણે ગટર સફાઈની કામગીરીમાં પણ આધુનિકીકરણ આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને ગટરની ગંદકી સાફ કરવા માટે મેન હોલમાં રોબોટને ઉતાર્યો હતો. 80 કિલોગ્રામ ધરાવતો આ રોબોટ ડેમો કામગીરીમાં અસરકારક સાબિત થતાં હવે તેને મ્યુનિ. કોર્પોરેશનની ટીમમાં સત્તાવાર જવાબદારી સોંપવામાં આવશે.
ગાંધીનગરની ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરી હવે રોબોટ સંભાળશે. તાજેતરમાં રોબોટની કામગીરીનો ડેમો યોજાયો હતો.જેમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ તથા જેનરોબોટિક્સના અધિકારીઓએ મેન હોલમાંથી તમામ પ્રકારનો કચરો કાઢનાર રોબોટનો લાઇવ ડેમો નિહાળ્યો હતો. મેન હોલમાંથી કચરો કાઢવા માટે એક રોબોટમાં જનરેટર અને કોમ્પ્રેસરની જરૂરિયાત રહે છે. 80 કિલો વજન ધરાવતો આ રોબોટ પોર્ટેબલ છે. ટેમ્પો જેવા નાના વાહનમાં એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી તેની હેરફેર થઈ શકે છે.
મ્યુનિના. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, આ રોબોટમાં નીચેના ભાગે કેમેરો લાગેલા છે તથા ઉપરના ભાગે સ્ક્રીન આપેલ છે. કેમેરાની મદદથી ગંદકીને જોઈ શકાય છે અને રોબોટની સાથે જોડેલું બકેટ એક કમાન્ડ આપવાથી ગંદકીને ઉલેચીને બહાર લઈ આવે છે. આ રોબોટના કારણે મેન હોલમાં માણસને ઉતારવાની જરૂરિયાત રહેતી નથી. આ રોબોટના સંચાલન માટે એક ઓપરેટર તથા એક લેબરની જરૂરિયાત રહે છે. 40 લાખની કિંમત ધરાવતો આ રોબોટ પાંચ લિટર પેટ્રોલમાં આઠ કલાક કામગીરી કરી શકે છે. માર્ગ અને મકાન વિભાગને સાબરમતી ગેસના સીએસઆર ફંડમાંથી આ રોબોટ ફાળવવામાં આવ્યો હતો. માર્ગ મકાન વિભાગે આ રોબોટ ગાંધીનગર મ્યુનિ.ને સુપરત કર્યો હતો. આ ડેમો રનમાં સફળતાના પગલે રોબોટના સંચાલન માટે સ્ટાફની નિમણૂક માટે તજવીજ હાથ ધરાઈ છે, અને હવે ટૂંક સમયમાં તે કાર્યરત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ સુરત મનપા પાસે આ પ્રકારનો રોબોટ છે. ગાંધીનગર બીજી એવી મ્યુનિ. બની છે, જ્યાં ગટરની સફાઈ માટે રોબોટનો ઉપયોગ થશે.