
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રૂટનું રાજીનામું, નવા કેપ્ટન અંગે કવાયત શરૂ કરાઈ
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની ટીમના સતત ખરાબ પ્રદર્શનને કારણે જો રૂટે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા નવા કેપ્ટનની પસંદગી માટે કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
રૂટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડનો કેપ્ટન હતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડનું પ્રદર્શન ખૂબ જ સામાન્ય રહ્યું છે. આ પછી તેણે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ એકપણ મેચ જીતી શક્યું નથી. આ પછી જ રૂટની કેપ્ટનશીપ ખતરામાં હતી, પરંતુ તેણે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે તેને બીજી તક આપવામાં આવી હતી, પરંતુ અહીં પણ રૂટને સાધારણ પ્રદર્શન બાદ રાજીનામું આપવું પડ્યું હતું.
પોતાના નિર્ણય અંગે જો રૂટે કહ્યું કે, દેશની ટીમની કેપ્ટનશીપ કરવી તેના માટે સન્માનની વાત છે. તે છેલ્લા પાંચ વર્ષને ગર્વથી જોવે છે. ઇંગ્લિશ ક્રિકેટ માટે આ સ્થાન મેળવવું તેના માટે સન્માનની વાત છે. રૂટે વધુમાં કહ્યું કે, તેને ટીમની કેપ્ટનશીપ કરવાનું પસંદ હતું. પરંતુ તાજેતરમાં જ તેમણે તેમના પર આ જવાબદારી સ્વીકારવાની અસર જોઈ. રૂટે કહ્યું કે, આ જવાબદારીએ મને રમતની બહાર પણ અસર કરી છે. સુકાની પદ છોડ્યા પછી, રૂટે કહ્યું કે તે ઇંગ્લેન્ડ માટે રમવા માટે ઉત્સુક છે અને ટીમને મેચ જીતવામાં મદદ કરે તેવુ પ્રદર્શન કરવા માગે છે. તે પોતાની ટીમના સાથી, નવા કેપ્ટન અને કોચને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.