
રશિયાની Sputnik-Vનું પ્રોડક્શન ઓગસ્ટથી શરૂ થશે,મે મહિનાના અંત સુધીમાં મળશે 30 લાખ ડોઝ
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને માત આપવા માટે રોજ યુદ્ધના ધોરણે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 19.50 કરોડ જેટલા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે અને હાલ પણ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવા સમયમાં તમામ ભારતીયો માટે સારા સમાચાર આવી રહ્યા છે અને તે છે રશિયાની Sputnik-V વેક્સિન વિશે.
મે મહિનાના અંત સુધીમાં 30 લાખ ડોઝ ભારતને મળશે અને સૌથી મોટી વાત એ છે કે કોરોનાવાયરસ સામેની લડાઈ વધારે મજબૂત બનશે જ્યારે ઓગસ્ટ મહિનાથી રશિયાની Sputnik-Vનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. રશિયા જલદી ભારતને સ્થાનીક સ્તર પર સ્પુતનિક-વી વેક્સિન બનાવવાની ટેક્નોલોજી આપશે. રશિયામાં ભારતીય રાજદૂત ડી બાલા વેંકટેશ વર્માએ કહ્યુ કે, ઓગસ્ટથી ભારતમાં વેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ જશે. મેના અંત સુધી ભારતમાં 30 લાખથી વધુ ડોઝની સપ્લાય કરવામાં આવશે અને જૂનમાં સપ્લાય વધારીને 50 લાખ થવાની આશા છે. તેમણે કહ્યું, ભારતમાં શરૂઆતમાં વેક્સિનના 85 કરોડ ડોઝનું પ્રોડક્શન કરવાની યોજના છે.
જો વાત કરવામાં આવે રશિયાની Sputnik-Vની તો ભારતને અત્યાર સુધીમાં 150,000 ડોઝ અને પછી 60,000 ડોઝની સપ્લાય કરવામાં આવી ચુક્યા છે.
સ્પુનિક વીને રશિયાથી આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી દેશમાં વ્યાપક રૂપથી ઉપલબ્ધ નથી. કંપનીએ કહ્યું કે, વેક્સિનના આયાતી ડોઝની હાલમાં રિટેલ કિંમત 948 રૂપિયા છે, જેમાં પ્રતિ ડોઝ 5 ટકા જીએસટી જોડ્યા બાદ તે 995.4 રૂપિયામાં પડે છે. ભારતમાં અત્યાર સુધી માત્ર ત્રણ વેક્સિન કોવૈક્સીન, કોવિશીલ્ડ અને સ્પુતનિક વીને મંજૂરી મળી છે.