1. Home
  2. ગુજરાતી
  3. સત્યપ્રેમી ચોરઃ પ્રખ્યાત લેખકના ઘરેથી ચોરી કરીને પસ્તાવો વ્યક્ત કરી સામાન પરત કર્યો
સત્યપ્રેમી ચોરઃ પ્રખ્યાત લેખકના ઘરેથી ચોરી કરીને પસ્તાવો વ્યક્ત કરી સામાન પરત કર્યો

સત્યપ્રેમી ચોરઃ પ્રખ્યાત લેખકના ઘરેથી ચોરી કરીને પસ્તાવો વ્યક્ત કરી સામાન પરત કર્યો

0
Social Share

મુંબઈ: એક ચોરને ત્યારે પસ્તાવો થયો જ્યારે તેને ખબર પડી કે તેણે એક પ્રખ્યાત મરાઠી લેખકના ઘરેથી કીમતી વસ્તુઓની ચોરી કરી છે. ચોરે પસ્તાવો કર્યો અને ચોરીની કિંમતી વસ્તુઓ પરત સોંપી હતી. પોલીસે જણાવ્યું કે, ચોરે રાયગઢ જિલ્લાના નેરલ સ્થિત નારાયણ સુર્વેના ઘરમાંથી એલઈડી ટીવી સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. મુંબઈમાં જન્મેલા સુર્વે પ્રખ્યાત મરાઠી કવિ અને સામાજિક કાર્યકર્તા હતા. કવિતાઓમાં શહેરી મજૂર વર્ગના સંઘર્ષને સ્પષ્ટપણે દર્શાવનાર સુર્વેનું 16 ઓગસ્ટ 2010ના રોજ 84 વર્ષની વયે અવસાન થયું હતું.

સુર્વેની પુત્રી સુજાતા અને તેના પતિ ગણેશ ખરે હવે આ ઘરમાં રહે છે. તેઓ તેમના પુત્ર સાથે વિરાર ગયા હતા અને તેમનું ઘર 10 દિવસથી બંધ હતું. દરમિયાન ચોર ઘરમાં ઘૂસી એલઇડી ટીવી સહિતની કેટલીક વસ્તુઓની ચોરી કરી ગયો હતો. બીજા દિવસે જ્યારે તે બીજી કેટલીક વસ્તુઓ ચોરી કરવા આવ્યો ત્યારે તેણે એક રૂમમાં સુર્વેનો ફોટો અને તેમને મળેલા સન્માન વગેરે જોયા. ચોરને ખૂબ જ પસ્તાવો થયો. પસ્તાવાના સંકેત તરીકે, તેણે ચોરીનો માલ પાછો આપ્યો.

એટલું જ નહીં, તેણે દિવાલ પર એક નાનકડી ‘નોટ’ ચોંટાડી હતી, જેમાં તેણે મહાન સાહિત્યકારના ઘરમાંથી ચોરી કરવા બદલ માલિકની માફી માંગી હતી. નેરલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શિવાજી ધવલેએ જણાવ્યું હતું કે, સુજાતા અને તેના પતિ રવિવારે વિરારથી પાછા ફર્યા ત્યારે તેમને આ ‘નોટ’ મળી હતી.

તેમણે કહ્યું કે પોલીસે ટીવી અને અન્ય વસ્તુઓ પર મળી આવેલા ફિંગર પ્રિન્ટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બાળપણમાં માતા-પિતાને ગુમાવનાર સુર્વે મુંબઈની સડકો પર મોટા થયા હતા. તેઓ ઘરેલું સહાયક તરીકે, હોટલમાં વાસણો સાફ કરવા, બાળકોની સંભાળ રાખવા, પાલતુ કૂતરાઓની સંભાળ રાખવા, દૂધ પહોંચાડવા, કુલી અને મિલ મજૂર તરીકે કામ કરતા હતા. સુર્વેએ તેમની કવિતાઓ દ્વારા મજૂરોના સંઘર્ષને વર્ણવવાનો પ્રયાસ કર્યો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code