સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 404 શાળાઓની પસંદગી
અમદાવાદઃ રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલ બોર્ડની 404 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા દરેક બાળકોને પાયાની સુવિધા મળી રહે અને શૈક્ષણિક ગુણવત્તા પણ વધે એ છે. જેમાં અમદાવાદ શહેરની 404 સ્કૂલની પસંદગી કરવામાં આવી છે. આ SOE પ્રોજેક્ટમાં પસંદગી પામેલી શાળાઓએ અત્યાર સુધીમાં કેવા પ્રકારની કામગીરી કરી તેના માટે સ્કૂલ બોર્ડ દ્વારા 23મી ઓગષ્ટથી રિવ્યુ અભિયાન હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલ બોર્ડની 404 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ SOE પ્રોજેક્ટમાં પસંદગી પામેલી શાળાઓએ અત્યાર સુધીમાં કેવા પ્રકારની કામગીરી કરી તેના માટે સ્કૂલ બોર્ડ દ્વારા 23મી ઓગષ્ટથી રિવ્યુ અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં રોજની ચાર શાળાના આચાર્ય સાથે રિવ્યુ બેઠક યોજાશે. આ રિવ્યુ બેઠક ઓનલાઈન યોજવામાં આવશે. જેમાં SOEમાં નિયત કરેલા માપદંડોની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન જ્યાં પણ ઢીલાશ કે કચાશ લાગશે તે સ્કૂલના શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. સ્કૂલ બોર્ડના અધિકારી ડૉ એલ.ડી. દેસાઈના જણાવ્યા મુજબ જે શાળાઓમાં SOEના માપદંડ પ્રમાણે શ્રેષ્ઠ કામગીરી થતી હશે તે સ્કૂલની અન્ય સ્કૂલના શિક્ષકો સાથે ફેસ ટુ ફેસ મુલાકાત પણ ગોઠવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં 23મી ઓગષ્ટથી આચાર્યોની ઓનલાઈન સમીક્ષાની કામગીરી શરૂ થશે. Foundational Literacy & Numeracy (FLN) ડેટા નિયત દરેક શાળાઓએ નક્કી કરાયેલા ફોર્મેટમાં રજૂ કરવાના થશે. FLNના ડેટા બાબતે દરેક ધોરણમાં થયેલી કામગીરીના આધારો પ્રેઝન્ટેશન સમયે રજૂ કરવાના રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દીઠ થયેલી પ્રગતિ અંગે ઉપચારાત્મક શિક્ષણ કાર્યનું આયોજન અને કરેલી કામગીરી રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દીઠ થયેલી પ્રગતિ અંગે ઉપચારાત્મક શિક્ષણ કાર્યનું આયોજન અને કરેલી કામગીરી રજૂ કરવાની રહેશે. શાળાકીય સંચાલન માટે સંકળાયેલા રેકર્ડ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનિંગ શાળા સલામતી અને શાળાની લાઈબ્રેરી સહિતની બાબતો પણ સ્કૂલોના આચાર્યોએ તેમના પ્રેઝન્ટેશનમાં રજૂ કરવાની રહેશે. સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ સ્કૂલ ઈન્સપેક્ટર અને સ્કૂલ બોર્ડના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. શાળાઓમાં શિક્ષણ સ્તર અને ગુણવત્તા વધે તે અંગે સમગ્ર વર્ષ દરમિયાન સતત રિવ્યુ અને મોનિટરિંગ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગત બજેટમાં સરકારે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 1,188 કરોડ ફાળવ્યા હતા. જેમાં ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આગામી સમયમાં વિશ્વબેંકના સહયોગથી 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 70 લાખથી વધુ બાળકોને વધુ સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી વિદ્યાર્થીઓનું ભાવિ વધુ ઉજ્જવળ કરવાનો ઉદ્દેશ્ય છે.