અમદાવાદઃ મોંધવારી વધતી જાય છે. પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ અને સ્ટેશનરીના ભાવમાં વધારા બાદ હવે અમદાવાદમાં સ્કૂલવાન અને રિક્ષાના ભાડામાં પણ વધારો કરાતા વાલીઓ પર વધુ બોજ પડશે. શહેરમાં તા. 13 જૂનથી નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ વર્ષથી સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં એસોસિયેશન દ્વારા વધારો કરવા નિર્ણય કર્યો છે.
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આજે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી, જેમાં રિક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડા વધારવાનો નિર્ણય લીધો છે. RTOમાં પાસિંગ ખર્ચનો બોજો, ઇન્શ્યોરન્સ, પરમિટ સહિતના ખર્ચને લઈને ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ- વાનમાં એક કિમીદીઠ 200 અને સ્કૂલ-રિક્ષામાં કિમીદીઠ 100 રૂપિયા ભાડારૂપે વધારો કરાશે. એસોના કહેવા મુજબ છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ફરી ત્રણ વર્ષે ભાવવધારો કરવામાં આવ્યો છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ સ્કૂલ-વાન અને રિક્ષાચાલકો સામે RTO દ્વારા લાલ આંખ કરી કડકપણે નિયમોનું પાલન કરવા જાહેરાત કરવામાં આવી છે, ઘણાબધા સ્કુલવાન પાસે પરમિટ પણ નથી. એટલે પરમિટ માટે વાનચાલકો દોડધામ કરી રહ્યા છે. આરટીઓ દ્વારા બુધવારથી ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. ત્યારે અમદાવાદ સ્કૂલ વરધી એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં RTOના નિયમોને લઈને 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે, જેથી સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવાનો નિર્ણ કરાયો છે. સ્કૂલ વરધી એસોસિયેશન સાથે અમદાવાદના 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા વાન અને રિક્ષાચાલકો જોડાયેલા છે.
સ્કુલ વર્ધી એસોના જણાવ્યા મુજબ દર ત્રણ વર્ષે સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે છે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ દરમિયાન CNG, પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થાય છતાં સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો નહતો. નવો ભાવવધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થશે.આ વર્ષે પાસિંગ સહિતના ખર્ચ વધ્યા છે. ઉપરાંત મોંઘવારી વધી છે, જેને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં એક કિમીદીઠ રિક્ષામાં 100 રૂપિયા, જ્યારે વાનમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. (file photo)


