
કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે ધો 10 સુધીની સ્કૂલો ફરીથી ખુલ્લી, ઉડ્ડપીમાં પોલીસનું ફ્લેગમાર્ચ
બેંગ્લોરઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે ધો-10 સુધીની સ્કૂલોનો પ્રારંભ થયો છે. બીજી તરફ હજુ કોલેજો શરૂ કરવામાં આવી નથી. મુસ્લિમ વિદ્યાર્થિનીઓનો હિજાબ મુદ્દે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. આજે સવારથી ધો-10 સુધીની સ્કૂલો ખુલી ગઈ હતી. જો કે, ઉડ્ડપી તંત્રએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલની આસપાસ ધારા 144 લાગુ કરી છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સુરક્ષા પુરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહી છે. શિવમોગામાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉડ્ડપીમાં પણ ફ્લેગમાર્ચ કરાયું હતું. પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્કૂલો ખોલવા માટે સ્કૂલની આસપાસ કોઈ પણ પ્રકારે લોકો એકત્ર ના થાય તે માટે ધારા-144 લાગુ કરવામાં આવ્યો છે. સુરક્ષાની દ્રષ્ટીએ સ્કૂલોની આસપાસ 200 મીટરના વિસ્તારમાં 144 લાગુ કરવાની માંગણી કરાઈ હતી. જે બાદ પોલીસ કમિશનરે ધારા 144 લાગુ કરવાનો આદેશ કર્યો હતો. હાલ સ્કૂલની આસપાસ 200 મીટરના વિસ્તારમાં 5 લોકોના એકત્ર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તંત્રના આદેશ અનુસાર સ્કૂલ સંકુલની આસપાસ પાંચ કે તેનાથી વધારે લોકોને એકત્ર થવાનો ઈન્કાર કર્યો છે. વિરોધ અને રેલીઓ સહિતના તમામ પ્રકારના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 19મી ફેબ્રુઆરીના રોજ શનિવાર છે અને 20મી રવિવાર હોવાથી સ્કૂલ બંધ રહેશે. આ પહેલા તંત્ર પોતાના આદેશની સમીક્ષા કરવામાં આવે તેવી શકયતા છે.