
CBI દ્વારા સર્ચ, IAS કાંતીપતિ રાજેશના બેન્ક લોકરમાંથી 5 કરોડ રોકડા અને કિંમતી વસ્તુઓ મળી
અમદાવાદઃ ગુજરાતના 2011ની બેચના IAS અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કાંતીપતિ રાજેશએ પોતાની નોકરી દરમિયાન જમીનોથી લઈને અનેક કૌભાંડો કર્યાની ફરિયાદો ઊઠી હતી, અંતે આ મામલે સીબીઆઈએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સીબીઆઈની તપાસમાં મોટા ધડાકા થઈ રહ્યા છે. સીબીઆઈના અધિકારીઓએ IAS કે.રાજેશના બેન્ક ખાતાઓ બાદ બેન્ક લોકરની તપાસ શરૂ કરી હતી. જેમાં સુરેન્દ્રનગરની રાષ્ટ્રીય કૃત બેંકમાં આવેલા કે. રાજેશના લોકરની તપાસ કરતા તેમાંથી 5 કરોડ રૂપિયા કેશ અને અન્ય કિંમતી દસ્તાવેજો મળી આવ્યા છે. સીબીઆના અધિકારીઓએ પાંચ કરોડની કેશ તથા દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓ કબજે લઈને વધપ તપાસ કરવામાં આવી રહી છે.
CBIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે CBIએ આ કેસમાં 30 ડિસેમ્બર 2021માં પ્રાથમિક તપાસ શરુ કરી હતી. તેના એક અઠવાડિયા પહેલા રાજેશના સાથી- કે જેઓ મોરબીના એક નેતાના ભત્રીજા પણ છે. તેમણે કેટલાક રૂપિયા IAS અધિકારીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે CBI દ્વારા તપાસ શરુ કરવામાં આવી તો ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા અને તેને વહીવટીતંત્રના ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને જેને લોકરમાં મૂકી દેવામાં આવ્યા હતા. આ પછી, લોકરમાંથી રૂપિયા કાઢવામાં આવ્યા નહોતા, આ લોકરમાં કેટલોક કિંમતી સામાન અને કેટલાક દસ્તાવેજો પણ હતા. CBIના અધિકારીઓ દ્વારા તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. કે.રાજેશના સુરેન્દ્રનગરના સરકારી બેન્કના લોકર્સ સીલ કરવામાં આવ્યા હતા અને પંચની હાજરીમાં લોકર્સ ખોલવામાં આવતા પાંચ રોડ રૂપિયા રોકડા અને કેટલીક કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જોકે દિલ્હીના CBIના અધિકારીઓએ લોકરની અન્ય વસ્તુઓ અંગે ફોડ પાડવામાં આવ્યો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભ્રષ્ટાચારના મામલે દિલ્હીના CBI યુનિટ દ્વારા જોઈન્ટ સેક્રેટરી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) કે રાજેશ (સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર) અને રફીક મેમણ સામે FIR દાખલ કરવામાં આવી હતી. રફીક મેમણ સુરતમાં ગાર્મેન્ટ સ્ટોરનો માલિક છે. જેની IAS અધિકારી રાજેશના કથિત મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. આ કેસમાં CBI દ્વારા રફીક મેમણની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, હજુ સુધી IAS અધિકારીની ધરપકડ થઈ શકી નથી. કે રાજેશ સામે ખોટી રીતે હથિયારના લાઈસન્સ આપવાની, જમીન ફાળવણી, સરકારી જમીન પર ગેરકાયેદસર દબાણ સહિતની બાબતોમાં લાંચ લીધી હોવાના ગુનામાં ફરિયાદ નોંધવામાં આવી છે.