ભુજઃ કચ્છની સરહદ પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. પાકિસ્તાનથી અવારનવાર સ્ફોટક હથિયારો, ડ્રગ્સ કચ્છમાં ઘૂંસાડવાના પ્રયાસો થતા હોય છે. અને એટલે જ ક્ચ્છની સરહદ સંવેદનશીલ ગણાય છે. ત્યારે જ ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ જખૌ પાસેની જળસીમાએથી લાવારિસ હાલતમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવતાં ભારતીય સુરક્ષા દળો સતર્ક બન્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેટ પરથી એમ્યુનેશન રાખવા માટેનું બોક્સ તથા શંકાસ્પદ વિસ્ફોટકો ભરેલી પાઇપ સ્થાનિક માછીમારોને મળી આવતા તેમણે સુરક્ષા એજન્સીઓને જાણ કર્યા બાદ આ સામગ્રીની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ આ કાર્યવાહીમાં બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોસલ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ છ દિવસ પહેલાં આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતેની એક પેઢી દ્વારા ટેલ્કમ પાવડર ને બદલે હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો અને આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 20000 કરોડની થવા પામી છે.કચ્છના મુન્દ્રા બંદર પર ઈરાનથી આયાત કરાયેલા આ અફઘાની હેરોઇનના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી (એનઆઈએ) દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અફઘાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા બાદ કચ્છ કાંઠે ગંભીર હિલચાલો વધી ગઇ છે.
કચ્છના મુંદરા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઇરાન મંગાવાયેલા હેરોઇનના ડીઆરઆઈએ ઝડપી પડેલા ત્રણ ટન જથ્થા પાછળ ચેન્નાઇના એક દંપતીનું નામ ખુલ્યું છે તેમજ વિજયવાડાના સરનામે આયાત-નિકાસ પરવાનો મેળવ્યો હોવાથી વિજયવાડા પોલીસે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. બીજી તરફ, ડીઆરઆઇએ આ દંપતીની ધરપકડ કરી અદાલતમાંથી 30મી સુધી રિમાન્ડ મેળવ્યા છે. સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે મુંદરા બંદરે આવેલાં બે કન્ટેઈનરમાંથી ટેલ્કમ સ્ટોન પાઉડર સાથે ભેળવીને કુલ ત્રણ ત્રણ હજાર કિલો હેરોઇન ડી.આર.આઇ.એ ઝડપી લેતાં દેશભરની એજન્સીઓ તપાસમાં જોડાઇ છે.


