
વડોદરામાં વરિષ્ઠ ફોટોગ્રાફર ભરત પાઠકનું નિધન
અમદાવાદઃ વડોદરામાં કોરોના મહામારી વચ્ચે જાણીતા અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ ફોટોગ્રાફર ભરત પાઠકનું નિધન થતા પત્રકાર જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજે સવારે વડોદરાના રાવપુરાથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. સ્થાનિક આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) વતી અમૃતભાઈ આલએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરી છે.
વડોદરાના રાવપુરા વિસ્તારમાં ભરતભાઈ પાઠક પરિવાર સાથે રહેતા હતા. તેમજ જાણીતા અંગ્રેજી દૈનિક ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ફોટોગ્રાફર તરીકે ફ્રીલાન્સ સેવા આપતા હતા. 30 વર્ષથી વધારે વર્ષથી મીડિયા સાથે સંકળાયેલા છે. ત્રણેક વર્ષ પહેલા નિવૃત્તિ બાદ તેમણે ફ્રીલાન્સ સેવા આપવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સારવાર બાદ તેમને રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. જો કે, આજે વહેલી સવાર તેમના દુઃખદ નિધનના સમાચાર જાણવા મળતા વડોદરાના મીડિયા કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.