
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.દ્વારા હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર સઘન સફાઈ કરી દરરોજ હજારો ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, કેટલાક સ્લમ વિસ્તારો એવા છે. કે, સ્વચ્છતા માટે પુરતું ધ્યાન આપવામાં આવતું નથી. જેમાં શહેરનાં રૂખડીયાપરા વિસ્તારની આંગણવાડીની નજીક ખુલ્લી ગટરને કારણે ગંદા પાણીની નદીઓ જોવા મળી હતી. જેને લઈ બાળકોને આંગણવાડી સુધી પહોંચાડવા પણ મુશ્કેલ બન્યા છે. અને બાળકો રેંકડીમાં બેસાડીને લવાતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં એક આંગણવાડી આવેલી છે. જોકે વોર્ડ નં 3 માં આવેલી આ આંગણવાડીમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે. જેનું કારણ નજીકમાં આવેલી ખુલ્લી ગટર છે. ગટરના ગંદા પાણી રોડ પર વહેતા જોવા મળી રહ્યા છે. જેના કારણે બાળકો આંગણવાડીમાં આવી શકતા નથી. જ્યારે કેટલાક બાળકોને રેકડીમાં બેસાડી અભ્યાસ કરવા મોકલવા પડી રહ્યા છે. ખુલ્લી ગટરના કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં ગરકાવ થઈ રહ્યું છે.
આ વિસ્તારના સ્થાનિક લોકોના કહેવા મુજબ રૂખડિયાપરાની આંગણવાડીમાં 42 જેટલા બાળકો છે. આંગણવાડી નજીક ખુલ્લી ગટરના ગંદા પાણીને કારણે બાળકોને આંગણવાડીમાં મોકલવા મુશ્કેલ છે.. આ અંગે RMC તંત્રની ઓનલાઈન એપમાં તેમજ સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. જેને લઈને બાળકોમાં માંદગીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે. કોર્પોરેટરો માત્ર મત લેવા માટે જ આવે છે. અમારી સમસ્યા ઉકેલવામાં કોઈને રસ નથી. ચૂંટણી સમયે ખોટા વાયદા કરે છે. એક વર્ષથી ભૂગર્ભ ગટર પાસ થઈ ચૂકી છે. છતાં આજદિન સુધી આ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
સઊત્રોએ ઉમેર્યું હતું કે, હાલ શહેરના રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા લોકોની હાલત દયનિય બની છે. બાળકોને ભણાવવા સરકારે આંગણવાડી તો બનાવી પણ ત્યાં પહોંચવામાં ગંદકીનાં પહાડ પાર કરવા પડતા હોવાથી અનેક લોકો બાળકોને આંગણવાડીમાં મોકલવાનું ટાળી રહ્યા છે. તો કેટલાક લોકો રેંકડીમાં બેસાડી બાળકોને મોકલી રહ્યા છે.