
શરદ પવારે શિંદે, ફડણવીસ અને અજીતને ભોજનનું આમંત્રણ આપતા રાજકીય માહોલ ગરમાયો
મુંબઈઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે એનસીપી (SP)ના અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ગણાતા શરદચંદ્ર પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી દેવેન્દ્ર ફડણવીસ તેમજ પોતાના ભત્રીજા અજીત પવારને પોતાના નિવાસસ્થાન ગોવિંદ બાદમાં ભોજન માટેનું આમંત્રણ આપતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પોતાના બારામતીના ગોવિંદબાગના નિવાસસ્થાને બીજી માર્ચે ભોજન સમારંભનું આયોજન કર્યું છે, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પોતાનાથી અગળા થયેલા ભત્રીજા અજીત પવારને ભોજનનું આમંત્રણ પાઠવ્યું છે. આ ઉપરાંત શરદ પવાર આ ત્રણેય નેતાઓ સાથે પુણે જિલ્લામાં યોજાનારા ‘નમો મહારોજગાર મેળા’માં પણ ભાગ લેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહિનાઓ પહેલા જ અજીત પવારે પોતાના કાકા એવા શરદ પવારથી છેડો ફાડીને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાનપદું મેળવ્યું છે. પવાર જુથના મોટાભાગના નેતાઓ અજીત પવાર સાથે છે. બીજીબાજુ અજિત પવારે બારામતી લોકસભા મતક્ષેત્ર પરથી ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. હાલ તેમની પિતરાઈ બહેન અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે આ મતવિસ્તારનું પ્રતિનિધિ કરી રહી છે, તેથી કાકા અને ભત્રીજા બંને માટે બારામતી બેઠક ખુબ મહત્વની છે. ત્યારે શરદ પવારે બારામતીમાં કાર્યક્રમનું આયોજન કરીને મુખ્યમંત્રી શિંદે, ફડણવીસ અને અજીત પવારને આમંત્રણ આપ્યું છે.
શરદ પવારે કહ્યું કે, સાંસદ તરીકે હું અને સુપ્રિયા બારામતીમાં યોજાનારા સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છીએ છીએ. રાજ્યસભા સાંસદ પવારે શિંદેને લખેલા પત્રમાં કહ્યું કે, મને વિદ્યા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ તરીકે શૈક્ષણિક સંસ્થામાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં ખુશી થશે. આ ઉપરાંત તેમણે શિંદેને આગ્રહ કર્યો છે કે, તેઓ ફડણવીસ અને અજીત સાથેના વિદ્યા પ્રતિષ્ઠાનના કાર્યક્રમ બાદ મારા નિવાસ્થાન ગોવિંદ બાગમાં ભોજન માટેનું આમંત્રણ સ્વીકારે. આમ શરદ પવારે આપેલા આમંત્રણને લીધે મહારાષ્ટ્રના રાજકારણમાં વિવિધ અટકળોનો દૌર શરૂ થયો છે.