દેશમાં કરોડપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો, IT રિટર્નના આંકડામાં ખુલાસો
નવી દિલ્હી, 07 જાન્યુઆરી 2026: ભારતની અર્થવ્યવસ્થામાં આવકની અસમાનતા અને અમીર વર્ગની વધતી આવકનો એક મોટો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલના લેટેસ્ટ આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં રૂ. 1 કરોડથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા લોકોની સંખ્યામાં આશરે 22 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સમયગાળા દરમિયાન કુલ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં માત્ર 1.22 ટકાનો નજીવો વધારો થયો છે.
ઉચ્ચ આવક વર્ગમાં બે આંકડામાં વૃદ્ધિ
31 ડિસેમ્બર 2025 સુધીના આંકડા દર્શાવે છે કે દેશમાં રૂ. 5 લાખ સુધીની આવક જાહેર કરનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે 5 લાખથી ઉપરની તમામ કેટેગરીમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને 50 લાખથી 10 કરોડથી વધુની આવક ધરાવતી કેટેગરીમાં 20 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, આ વૃદ્ધિ દર્શાવે છે કે દેશની મોટાભાગની જાહેર કરેલી સંપત્તિ ઉપલા વર્ગ પાસે કેન્દ્રિત થઈ રહી છે.
ટેક્સ એક્સપર્ટ્સ આ વધારા પાછળ બે મુખ્ય કારણો જોઈ રહ્યા છે. ઉચ્ચ પગારદાર વર્ગના સેલરીમાં વધારો, મજબૂત બોનસ અને બિઝનેસમાં થયેલો બમ્પર નફો. તેમજ AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ), TDS અને ડેટા એનાલિટિક્સના કારણે હવે આવક છુપાવવી મુશ્કેલ બની છે. પરિણામે, લોકો સાચી આવક જાહેર કરતા થયા છે.
ટેક્સપેયર્સની સંખ્યા વધારવામાં હરિયાણા પ્રથમ, ગુજરાત બીજા ક્રમે
છેલ્લા ચાર વર્ષના ડેટા મુજબ, વિવિધ રાજ્યોમાં કરદાતાઓની સંખ્યામાં મોટો ફેરફાર થયો છે. હરિયાણા 80% ના વધારા સાથે પ્રથમ ક્રમે (6.03 લાખથી વધીને 10.86 લાખ ટેક્સપેયર્સ) છે. જ્યારે ગુજરાત 72.7% ના વધારા સાથે બીજા ક્રમે છે. ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા 11.03 લાખથી વધીને 19.05 લાખ પર પહોંચી ગઈ છે. બિહાર, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ ટેક્સ બેઝમાં મોટો વધારો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે આ રાજ્યોમાં ફોર્મલ ઇકોનોમીનો વ્યાપ વધી રહ્યો છે.
FY26 માં 1 એપ્રિલથી 31 ડિસેમ્બર વચ્ચે 9 કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 8.92 કરોડ હતા. જોકે, અપડેટેડ રિટર્ન હજુ પણ માર્ચ 2030 સુધી ભરી શકાય છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ભારતનો મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ હવે આર્થિક રીતે વધુ સદ્ધર બની રહ્યો છે અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે 8 લેનનો બનાવવા કેન્દ્રને દરખાસ્ત


