દક્ષિણ અમેરિકા અને કેરેબિયન દેશો ભારતના મહત્વપૂર્ણ ભાગીદારઃ એસ.જયશંકર
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, દક્ષિણ અમેરિકા અને કેરેબિયન દેશો ભારતના મહત્વપૂર્ણ ભાગીદારો છે અને વૈશ્વિક મુદ્દાઓ પર અમારું સમાન હિત છે. જયશંકરે કહ્યું કે, ભારત દક્ષિણ અમેરિકન દેશો અને કેરેબિયન દેશો સાથે વેપાર, રોકાણ અને જળવાયુ પરિવર્તન સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો પર એક કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ.જયશંકર ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચેનો વેપાર વાર્ષિક 50 અબજ ડોલરથી વધુ છે અને તે સતત વધી રહ્યો છે. અમારા ચાર મોટા વેપારી ભાગીદારો અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન અને આસિયાન દેશો છે. આ બધા સાથે અમારો વાર્ષિક 100 થી 115 બિલિયન ડોલરનો વેપાર છે. લેટિન અમેરિકન અને કેરેબિયન દેશો સાથે, અમે પહેલેથી જ આમાંથી લગભગ અડધો વેપાર કરીએ છીએ.
વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે કેરેબિયન દેશો અને દક્ષિણ અમેરિકન દેશોને 40 લાઇન ઓફ ક્રેડિટ આપી છે અને ભારત આ પ્રોજેક્ટ્સ પર લગભગ 900 મિલિયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. તેણે કહ્યું કે, મોટાભાગના લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના વિદેશ મંત્રીઓના નંબર વોટ્સએપમાં સેવ છે અને કોરોના મહામારી દરમિયાન તેમાંથી મોટાભાગના લોકો સાથે વાતચીત પણ કરી હતી. જયશંકરે કહ્યું કે ભારતનું લક્ષ્ય વૈશ્વિક શક્તિ બનવાનું છે અને વિશ્વ શક્તિ બનવા માટે આપણે વિશ્વના દરેક ભાગમાં આપણી હાજરી નોંધાવવી પડશે. તેમણે કહ્યું કે માત્ર હાજરી જ વધારવી નથી પરંતુ સંબંધોને પણ મજબૂત કરવા પડશે.