
- એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત ચમક્યું
- ભારતના બોક્સિંગ ચેમ્પિયન સંજીત કુમારે ગોલ્ડ મેડલ જીત્યો
- સંજીત કુમારે રિયો ઓલ્મપિકના સિલ્વર મેડલિસ્ટ કઝાખિસ્તાનના બોક્સર વેસ્લી લેવિટને મ્હાત આપી હતી
નવી દિલ્હી: એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારત ફરી ચમક્યું છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપના અંતિમ દિવસે ભારતના બોક્સિંગ ચેમ્પિયન સંજીત કુમારે ગોલ્ડ મેડલ જીત્યો છે. જો કે ફાઇનલમાં ભારતીય બોક્સર અમિત પંઘાલ અને શિવ થાપાએ સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સંજીત કુમારે પાંચ વાર વિશ્વ ચેમ્પિયન અને રિયો ઓલમ્પિકના સિલ્વર મેડલિસ્ટ કઝાખિસ્તાનના બોક્સર વેસ્લી લેવિટને મ્હાત આપી હતી.
ટૂર્નામેન્ટના અંતિમ દિવસે ફાઇનલ મેચમાં ભારતીય બોક્સર અમિત પંઘાલની હાર થઇ હતી, જે માટે ભારતે રિવ્યુ માંગ્યો હતો, પરંતુ જુરીએ રિવ્યુની માંગને ફગાવી દીધી હતી. પંધાલને ઉજબેકિસ્તાનના શખોબિદિને ફાઇનલમાં હાર આપી હતી.
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સંઘે વર્ષ 2019માં બાઉટ રિવ્યૂ શરૂ કરી હતી. જેમાં ટીમ મેનેજર કે હારનાર ચેમ્પિયનના મુખ્ય કોચને નિર્ણય બાદ 15 મિનિટ સુધી રિવ્યૂ માંગવાની તક આપવામાં આવે છે અને આગામી 30 મિનિટમાં કાગળ તૈયાર કરવાના રહે છે.