1. Home
  2. ગુજરાતી
  3. શ્રીલંકામાં ઈસ્ટરના પ્રસંગે 3 ચર્ચો, 3 હોટલોમાં વિસ્ફોટ, 160થી વધુના મોત, 450થી વધુ ઈજાગ્રસ્ત
શ્રીલંકામાં ઈસ્ટરના પ્રસંગે 3 ચર્ચો, 3 હોટલોમાં વિસ્ફોટ, 160થી વધુના મોત, 450થી વધુ ઈજાગ્રસ્ત

શ્રીલંકામાં ઈસ્ટરના પ્રસંગે 3 ચર્ચો, 3 હોટલોમાં વિસ્ફોટ, 160થી વધુના મોત, 450થી વધુ ઈજાગ્રસ્ત

0

કોલંબો: કોલંબો અને શ્રીલંકાના ઘણાં વિસ્તારોમાં ઈસ્ટરની ઉજવણી દરમિયાન ખ્રિસ્તીઓને નિશાન બનાવીને છ વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટની ઘટના ત્રણ ચર્ચો અને ત્રણ ફાઈવસ્ટાર હોટલોમાં થઈ છે. આ વિસ્ફોટોમાં 160થી વધુ લોકોના જીવ ગયા છે અને 450થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કોલંબોમાં સેન્ટ એન્થની ચર્ચ, નૌગોંબોમાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોબામાં એક ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સિવાય ફાઈવસ્ટાર હોટલો શાંગ્રી-લા, સિનામોન ગ્રેન્ડ અને કિંગ્સબરી ખાતે પણ વિસ્ફોટો થયા છે.

કોલંબોમાં 40, નૌગોંબોમાં 62 અને બટ્ટિકલોબામાં 27 લોકોના મોત નીપજ્યા છે. એક સુરક્ષા અધિકારીએ કહ્યુ છે કે તેમને આશંકા છે કે આત્મઘાતી હુમલાખોર દ્વારા બે ચર્ચોમાં વિસ્ફોટ કરવામાં આવ્યા છે.

વિસ્ફોટમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. શ્રીલંકાના ઈકોનોમિક રિફોર્મ્સ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન મિનિસ્ટર હર્ષા ડિસિલ્વાએ કહ્યુ છેકે ભયાનક દ્રશ્ય. ઈમરજન્સી ટીમ પુરી શક્તિથી તમામ સ્થાનો પર છે. અમે ઘણાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડયા છે. આશા છે કે ઘણાં લોકોના જીવ બચી ગયા હશે. ત્યારે સેનાએ 200 સૈનિકોને આ વિસ્તારોમાં તેનાત કરી દીધા છે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. તેની સાથે જ લોકોને તપાસમાં સહયોગ આપવાની પણ અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ સિરીસેનાએ અધિકારીઓને તપાસ કરવા અને હુમલાખોરોનું પગેરું દબાવવા માટેના આદેશ કર્યા છે.

શ્રીલંકાની સેના, નૌસેના અને વાયુસેના સાથે વિવિધ સુરક્ષદળોના ટોચના અધિકારીઓ દ્વારા એક બેઠક પણ કરવામાં આવી છે. શ્રીલંકન પોલીસ પ્રવક્તા રુવાન ગુનસેકરાએ ક્હ્યુ છે કે આ વિસ્ફોટ રવિવારે સવારે સ્થાનિક સમય મુજબ પોણા નવ વાગ્યે થયો છે. કોલંબો નેશનલ હોસ્પિટલે કહ્યું છે કે ઓછામાં ઓછા 80 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

શ્રીલંકાના પ્રધાન હર્ષા ડિસિલ્વાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે વડાપ્રધાન બેન્ટોલાથી પાછા ફરી રહ્યા છે. ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને લોકોને પોતપોતાના ઘરોમાં રહેવાની પણ હિદાયત આપવામાં આવી છે. તેમણે કેટલાક વિદેશી નાગરિકો સહીત ઘણી જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરી છે.

ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેઓ શ્રીલંકામાં રહેલા ભારતીય દૂતવાસના સંપર્કમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.