
ગાંધીનગર જિલ્લામાં ચૂંટણીને લીધે 24 ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સ ટીમોએ 8000 વાહનોનું કર્યું ચેકિંગ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. દરમિયાન ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગ સામે ચૂંટણી પંચ બાજ નજર રાખી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 24 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા 24 ચેકપોસ્ટ પર ઊભા રહીને 7940 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ 17 હજાર કરતાં વધુ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિ પૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ મોટી રોકડ કે મતદારોને રીઝવવા માટેની ભેટ- સોગાદ, દારૂ જેવી ચીજવસ્તુઓની આપ-લે ન થાય તેના પર ચાંપતી નજર રાખવા માટે સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્યરત છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં તા. 10મી નવેમ્બરથી આ ટીમ કાર્યરત થઇ છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભા બેઠકની નક્કી થયેલી 24 ચેક પોસ્ટ પર આ ટીમ ઊભી રહે છે. ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે. આ ચેક પોસ્ટ પાસેથી પસાર થતાં વાહનોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવે છે. વાહનોનું ચેકિંગ થતું હોય ત્યારે તેનું વીડિયો શુટિંગ પણ કરવામાં આવે છે. આ સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા આજ દિન સુધીમાં કુલ 7940 જેટલાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી કોઇ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત થયો નથી. (file photo)