યુપીના મથુરા ખાતે દુરંતો સહિત અનેક ટ્રેનો પર પથ્થરમારો, એક સગીર સહિત બેની અટકાયત
મથુરાઃ પ્રદેશના મથુરા જંકશન નજીક ચાલતી ટ્રેનો પર પથ્થરમારો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પથ્થરમારાની ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા એક સગીર સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમના પર દિલ્હી-આગ્રા રૂટ પર અનેક ટ્રેનોને નિશાન બનાવવાનો આરોપ છે.
રેલવે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે મથુરા જંકશન સ્ટેશન પરથી નીકળ્યા પછી દિલ્હીથી આગ્રા જતી ઘણી ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. RPF કોતવાલીના ઇન્ચાર્જ અવધેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જે ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમાં કોટા-પટણા એક્સપ્રેસ, હઝરત નિઝામુદ્દીન-હુઝુર સાહિબ નાંદેડ એક્સપ્રેસ અને દુરંતો એક્સપ્રેસનો સમાવેશ થાય છે. મુસાફરોએ તાત્કાલિક રેલવે કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી. જે બાદ RPF રાત્રે પેટ્રોલિંગ શરૂ કર્યું પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી ન આવી. જોકે, બુધવારે સવારે પાટા નજીક ફરીથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે, એક સગીર સહિત બે છોકરાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા અને પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન, બંને છોકરાઓએ ટ્રેનો પર પથ્થરમારો કરવાની કબૂલાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનો બીજો સાથી આ ઘટનામાં સામેલ હતો. RPF હવે ત્રીજા આરોપીની શોધ કરી રહી છે. આ ઘટનાએ ચાલતી ટ્રેનોમાં મુસાફરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. રેલવે અધિકારીઓએ ખાતરી આપી છે કે તેઓ આવી ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલાં લેશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(Photo-File)


